ગાંધીનગર

ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉનાળો બેસવાની સાથે પાણીનો કકળાટ શરૂ થયો

ગાંધીનગર :

રાજ્યનું પાટનગર હોવા છતાં અને નગરની સ્થાપના થયાના દાયકા પસાર થયા છતાં ગાંધીનગર શહેર વિસ્તારમાં ઉનાળો બેસવાની સાથે પાણીની સમસ્યા ન સર્જાય તેવું બનતું નથી. પાણી વ્યવસ્થાપન સંભાળતા પાટનગર યોજના વિભાગ દ્વારા વધુ પાણી ઉપાડીને વિતરણ કરવામાં આવતું હોવા છતાં થોડા થોડા દિવસે વિવિધ સેક્ટરમાંથી પાણી ઓછા દબાણથી મળવાની બુમ પડતી જ રહે છે. હવે સેક્ટર ૨૪, ૨૫ અને ૨૬ના વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થયો છે અને વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા નાગરિકો પહોંચવાના છે. ગૃહિણીઓ તો એમ કહી રહી છે કે આ સ્થિતિ રહી તો પાણીના ટેન્કર મગાવવા સિવાય રસ્તો રહેશે નહીં.

તાજેતરના દિવસોમાં શહેર વિસ્તારમાં પાણીનો વપરાશ ૬૦ એમએલડીને પાર થઇ ગયો છે. પાટનગર યોજના વિભાગ દ્વારા તેના માટે વધુ પાણી ઉપાડવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. હવે તો ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત પાણીની નવી લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે રૂપિયા ૨૫૦ કરોડના ખર્ચની આ યોજના પુરી થવામાં બે વર્ષ પસાર થઈ જવાની ધારણા છે અને ત્યાર બાદ પાણીની કોઇ સમસ્યા નહીં રહે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. કેમ કે યોજના અંતર્ગત મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાનું છે અને ઇલેકટ્રીક મોટર મુક્યા વગર જ ત્રીજા માળ સુધી પાણી પહોંચાડવાની પણ વાતો કરવામાં આવી છે.

હાલમાં ગાંધીનગર શહેર વિસ્તારમાં અને શહેરી ગામોમાં પાણી પહોંચાડવા માટે ત્રણ વોટર વર્કસ કાર્યરત છે. આમ છતાં માત્ર નર્મદાનું જ પાણી શહેરમાં આપવામાં આવતું નથી. ફોર્સથી પાણી પહોંચાડવા માટે પહેલા સેક્ટરના બોર ચલાવીને લાઇનો ભરવામાં આવે છે, બાદમાં તેમાં નર્મદાનું પાણી છોડવામાં આવે છે. આમ છતાં કાળઝાળ ગરમીના દિવસોમાં જ બબાલ શરૂ થઇ છે, પાટનગર યોજના વિભાગના અધિકારીઓ પણ રજૂઆતો સાંભળતા રહે છે, કેમ કે દાયકા જુનું પાઇપ લાઇન નેટવર્ક રાતો રાત બદલી શકાય તેમ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x