ગાંધીનગર: જલધારા સુપર માર્કેટનાં માલિકે વિધવા મહિલાના ઘરને ગીરવે મુકી છેતરપિંડી આચરી
ગાંધીનગર :
ગાંધીનગરમાં સેક્ટર ૨૧ માં ડિસ્ટ્રીકટ શોપિંગમાં આવેલ જલધારા સુપર માર્કેટના માલિકે હાથ ઉછીના આપેલા રૂ.17 લાખની અવેજીમાં ત્યક્તા મહિલાનું ઘર ગીરવે મૂકીને રૂ.1.20 કરોડની બેન્ક લોન મેળવીને મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સુપર માર્કેટના માલિકે રૂ. ત્રણ કરોડનું દેવું પણ ભરપાઈ નહીં કરતાં વિધવા મહિલાનું મકાન પણ હરાજી કરી દેવામાં આવ્યું હોવાની નોટિસ મહિલાને મળતા મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર-3સીનાં પ્લોટ નં. 489/1માં રહેતા 58 વર્ષીય રમીલાબેન લવજીભાઈ પરમારે સેક્ટર-7 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ વર્ષ-2011 માં નર્મદા વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તે વખતે બાળકોના અભ્યાસ અર્થે પૈસાની જરૂર પડતાં લવજીભાઈએ સેક્ટર-21માં જલધારા સુપર માર્કેટ નામની દુકાન ચલાવતા મનોજ માવજીભાઈ ધડુક પાસેથી રૂ.17 લાખ ઉછીના લીધા હતા. જેનાં બદલામાં મનોજે ઉક્ત મકાનને બેન્કમાં ગીરો મૂકીને જલધારા સુપર માર્કેટના નામથી એક કરોડ વીસ લાખની લોન લીધી હતી. જે-તે સમયે રૂ.17 લાખ પરત કરતા મકાનના કાગળો પાછા આપવાનો સમજૂતી કરાર પણ મનોજે લખી આપ્યો હતો. ત્યારબાદ બીમારીના કારણે લવજીભાઈનું અવસાન થયા પછી મનોજ રૂ.17 લાખની બદલીમાં મકાન લખી આપવા કહેતો હતો. પરંતુ રમીલાબેને થોડા થોડા કરીને પૈસા ચૂકવી આપવા બાંહેધરી આપી હતી. તેમ છતાં મનોજના ભાગીદાર રસિક વગાસીયા (સેક્ટર-25, પ્લોટ.176/1) અને શરદ પટેલ (પરિમલ એપાર્ટમેન્ટ, સેક્ટર-7બી, 4/20) પૈસા માટે ધાક ધમકીઓ આપતા હતા. બાદમાં રમીલાબેને રૂ.20 લાખ ચુકવી દીધા હતા. છતાં મનોજે બીજા ત્રણ લાખની માંગણી કરેલી. જે પણ રમીલાબેને આપી દીધા હતા. જેનું જલધારા સુપર માર્કેટિંગનાં લેટર પેડ પર લખાણ પણ આપ્યું હતું.
આ તરફ સમયસર લોનની રકમ નહીં ભરવાના કારણે બેન્કની નોટિસો રમીલાબેનના ઘરે આવવા લાગી હતી. તેમ છતાં મનોજ ધડુકે મકાન છોડાવવાની કાર્યવાહી કરી ન હતી. ત્યારે એક અઠવાડિયા અગાઉ કલેક્ટર કચેરીથી ઘરે નોટિસ આવી હતી જેમાં કહેવાયું હતું કે મનોજ ધડુકે ત્રણ કરોડનું દેવું ભરપાઈ કર્યું નહીં હોવાથી ઉક્ત મકાન હરાજી કરી દેવાયું છે. આ જોઇને રમીલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેની અનેક વાર રજૂઆત કરવાં છતાં મનોજે છેલ્લે હાથ અધ્ધર કરી દેતા સેક્ટર-7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.