ગાંધીનગર : સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ પાર્કિંગ મુદ્દે કર્યો હોબાળો
ગાંધીનગર :
ગાંધીનગરનાં ધોળેશ્વર મહાદેવ રોડ પર આવેલી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઓફ લાઇન વર્ગો શરૂ થયાં ત્યારથી વિધાર્થીઓ – વાલીઓને સ્કૂલ કેમ્પસની બહાર વાહન પાર્કિંગ કરવાની ફરજ પાડી હતી અને સંસ્થા દ્વારા સ્કૂલના દરવાજા બંધ કરી દેવામાં આવતા અત્રેના રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરતા આજે સ્થળે પોલીસ આવી ગઈ હતી અને પોલીસ દ્વારા વાલીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં પગલે વાલીઓએ સ્કૂલમાં વિશાળ જગ્યા હોવા છતાં બહાર પાર્કિંગ કરાવવામાં આવતું હોવાનું કહીને હોબાળો કર્યો હતો.
ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અત્યાર સુધીમાં અલાયદી પાર્કિંગ સુવિધા રાખવામાં આવી હતી. પરંતુ આ વર્ષે શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ સ્કૂલ દ્વારા અચાનક જ સ્કૂલના દરવાજા બંધ કરીને કેમ્પસની બહાર વિધાર્થીઓ તેમજ વાલીઓને વાહન પાર્ક કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. જેનાં કારણે છેલ્લા ઘણા દિવસોથી અહીં ટ્રાફિકની સમસ્યા વકરી છે. સ્કૂલ છૂટવાના સમયે આડેધડ વાહનો પાર્ક થવાના કારણે આખે આખો રસ્તો બ્લોક થઈ જવાથી રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ બાબતે અનેક ફરિયાદો મળતાં આજે ટ્રાફિક પોલીસ દ્વારા સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ટ્રાફિક નિયમનની કાર્યવાહી શરૂ કરીને વાલીઓ તેમજ રોડની સામેની તરફના બિલ્ડરને પણ માઇક ઉપર એનાઉન્સમેન્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસે માત્ર વાલીઓને વાહનો સરખા પાર્ક કરવાની સૂચનાઓ આપવામાં આવતા બાળકોને લેવા આવેલા વાલીઓએ હોબાળો કર્યો હતો. અને ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી કે સ્કૂલ દ્વારા દરવાજા બંધ કરી દઈ બહાર પાર્કિંગ કરાવવામાં આવી રહી છે. કેમ્પસમાં વિશાળ જગ્યા હોવા છતાં વાલીઓ ઉનાળાની ગરમીમાં બહાર ઉભા રહીને શેકાઈ રહ્યા છે. જ્યારે અહીં બહારની તરફ વાહનોની કોઈ સેફ્ટી પણ નથી. જેનાં પગલે ટ્રાફિક પોલીસે માઇક મારફતે સ્કૂલ પ્રશાસનને પણ ઘટતી કાર્યવાહી કરવા કહેવાયું હતું. આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ નિર્મલભાઈએ કહ્યું હતું કે, પહેલા જે વાહનો પાર્ક કરવામાં આવતાં હતાં. તે જગ્યા મંદિરની છે. એટલે હવેથી પાર્કિંગ બહાર કરાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત અંદરની તરફ સ્કૂલ બસો અને સ્ટાફ માટે પાર્કિંગ છે. બધા ત્યાં વાહનો પાર્ક કરે તો મુશ્કેલી ઉભી થાય એમ છે. જેનાં પ્રત્યુત્તરમાં વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જો મંદિરની જગ્યા પડતર પડી છે. મંદિરની જગ્યામાં પાર્કિંગ ના કરી શકાય તો મંદિરના કાર્યક્રમો પણ સ્કૂલમાં નાં થવા જોઈએ.
એક જ સંસ્થાની સ્કૂલ હોવા છતાં સંસ્થા દ્વારા આવી બેધારી નીતિ રાખવામાં આવે છે. સમય જતાં ગાંધીનગરની અન્ય સ્કૂલોની જેમ બહારની જગ્યા પણ પચાવી પાડવાનાં પેતરા થઈ રહ્યા છે. સ્કૂલ ગ્રાઉન્ડની સાઈઝ ઘટાડીને બસ અને સ્ટાફ માટે અલાયદી પાર્કિંગ સુવિધા ઉભી કરાઇ છે. જ્યારે વિધાર્થીઓ – વાલીઓ માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં કરી તે યોગ્ય નથી.