શુ આપના ઘરે પીવાના પાણીની સમસ્યા છે ? તો ટોલ ફ્રી નંબર 1916 પર જાણ કરો
ગાંધીનગર :
ઉનાળામાં રાજ્યભરમાં નાગરિકોને પુરતા પ્રમાણમા પાણી મળી રહે તેની વ્યવસ્થા કરવા ઉપરાંત પાણીની ચોરી અટકાવવા માટે CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં અધિકારીઓને ખાસ તાકીદ કરી છે. સિંચાઇ અને અન્ય ઉપયોગ માટેના પાણીને બદલે હાલ પીવાના પાણીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પીવાના પાણીની સમસ્યા હોય તો નાગરિકો ટોલ ફ્રી નંબર 1916 પર જાણ કરી શકશે.
રાજય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યના નાગરિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકારે આયોજન કર્યું છે. ગામડાઓમાં જૂથ યોજના હેઠળ અપાતા પીવાના પાણી અંગેની કે હેન્ડ પંપ સહિતના સાધનોના રીપેરીંગ સહિતની કોઇપણ ફરિયાદ હોય તો તેના માટે 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો પાણીને લગતી ફરિયાદો આ હેલ્પલાઇન પર કરી શકશે.
કચ્છના 21 ગામ સહિત રાજ્યના 36 જેટલા ગામોમાં 114 ફેરાથી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અગરિયાઓ અને પશુઓ માટે પણ ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોએ કહ્યું કે સૌરાષ્ટ્ર- કચ્છમાં પાણીની ડિમાન્ડ વધીને 26 એમએલડી જેટલી થઇ છે. જ્યારે બાકીના વિસ્તારોની જરૂરિયાત 32 એમએલડી જેટલી છે. પાણીની સૌથી વધુ ડિમાન્ડ 15 એપ્રિલથી 15 જૂન સુધી રહેતી હોય છે. પરંતુ સરકાર પાસે જૂન સુધી મહત્તમ 35 એમએલડી સુધી પાણી પુરૂ પાડી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે. ઉદ્યોગોમાં 80 થી 82 એમએલડી પાણીનો વપરાશ છે પરંતુ હાલની સ્થિતિએ ઉદ્યોગોને પાણી કાપ આપવાની જરૂરિયાત સરકારને જણાતી નથી.