ગુજરાત સરકારે સસ્તા અનાજની દુકાનોમાંથી અપાતા અનાજમાં કાપ મૂકી ગરીબોને ઝટકો આપ્યો
ગાંધીનગર :
કારમી મોંઘવારીનો સામનો કરી રહેલા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરના લોકોને સસ્તા અનાજની દુકાનોમાંથી માત્ર 1 કિલો જ ઘઉં મળશે. રાજ્ય સરકારે નિર્ણય લઈને સસ્તા અનાજની દુકાનોમાંથી અપાતા અનાજમાં પણ હવે કાપ મૂક્યો છે.
કોરોનાના લોકડાઉનને પગલે બેરોજગારી વધેલી છે. જેને લીધે આર્થિક રીતે લોકો પાયમાલ થયા અને હવે દિવસે દિવસે વધતી મોંઘવારીના માર વચ્ચે લોકો માટે એક માઠા સમાચાર છે. ખાસ કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાંથી સાડા ત્રણ કિલો ઘઉં અને સાડા ત્રણ કિલો ચોખા અપાતા હતા. રાજ્ય સરકાર દ્વારા હવે તેમાં પણ કાપ મૂકી દીધો છે. ઘઉંના ઉંચકાયેલા ભાવ બાદ ગરીબ લાભાર્થીઓને સાડા ત્રણ કિલો ઘઊંને બદલે માત્ર ને માત્ર એક કિલો જ ઘઉં આપવાનો નિર્ણય કર્યો છે. એક તરફ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. જેને લઇને વિદેશોમાં જતો ઘઉંનો સ્ટોક હવે ભારતમાં રહેશે, ત્યારે આવા સમયે મોંઘવારીનો માર સહેતા લાભાર્થીઓને ઘઉંનો સ્ટોક વધારવાની જગ્યાએ રાજ્ય સરકારે તેમાં કાપ મૂકી દીધો છે.
હવે કોગ્રેસે સરકારના આ નિર્ણયની ભારે ટીકા કરી છે. પહેલા સસ્તા અનાજની દુકાનોમાંથી મળતા કેરોસીનના જથ્થામાં કાપ અને બાદમાં કેરોસીન આપવાનું સદંતર બંધ અને હવે ઘઉંનો વારો ત્યારે સરકારના આ પગલાંને લઈને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોની હાલત આગામી દિવસોમાં કફોડી થશે઼ એ નક્કી છે.