દેશમાં ચારધામ યાત્રામાં મૃતક શ્રદ્ધાળુમાં કોરોનાની એન્ટ્રી થઈ, જાણો વધુ
ભારત દેશમાં પવિત્ર ચારધામની યાત્રામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. મૃતક શ્રદ્ધાળુમાંથી બેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ જે લોકોના મોત થયા છે તેમાં કોરોના પોઝિટિવ પણ સામેલ છે. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે, જેમાંથી 54 લોકોના મોત હાર્ટઅટેકના કારણે થયા છે.
રાજ્ય સરકારે પણ ચારેય ધામ માટે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી છે. કેદારનાથમાં દરરોજ 12 હજાર અને બદ્રીનાથમાં દરરોજ 15 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે. એટલુ જ નહીં દર્શન માટે પર્યટન વિભાગની વેબસાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત કરાયું છે.
આ ધામ દર વર્ષે છ મહિના (એપ્રિલના અંત અને નવેમ્બરની શરૂઆત વચ્ચે) માટે ખુલ્લું રહે છે. ચારધામ યાત્રા 3 મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. રવિવારે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે દર્શન માટે ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બદ્રીનાથ ધામમાં માત્ર 15 હજાર, કેદારનાથમાં 12 હજાર, ગંગોત્રીમાં 7 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર શ્રદ્ધાળુઓને જ દૈનિક દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ પહેલા બાબા કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. 6 મેના રોજ બાબા કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા છે જ્યારે 3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા છે.