દેશમાં ફરી એકવાર પેટ્રોલ ડિઝલના ભાવ વઘી શકે, જાણો વિગતે
ભારત દેશમાં ફરી એકવાર મોંઘુ પેટ્રોલ અને ડીઝલ સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત ફરી બેરલ દીઠ 120 ડોલરને પાર કરી ગઈ છે. યુરોપિયન યુનિયન દ્વારા રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લગાવવાની હિમાયત કરવાના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો જોવા મળી રહ્યો છે.
યુક્રેન પર રશિયાના હુમલા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 2008 પછી પ્રથમ વખત પ્રતિ બેરલ $ 139 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ મૂકવાની માંગને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ ચીનમાં કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં છૂટછાટના સમાચારને કારણે કાચા તેલના ભાવમાં પણ વધારો થયો છે. વાસ્તવમાં, જો ચીનમાં લોકડાઉન હળવું કરવામાં આવે છે, તો તે ક્રૂડ ઓઇલની માંગમાં વધારો કરશે અને પુરવઠાના અભાવને કારણે, કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં આ વધારો ભારત માટે ખરાબ સમાચાર છે. ભારતમાં 22 માર્ચથી 6 એપ્રિલ 2022 વચ્ચે પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. જો કે સામાન્ય લોકોને રાહત આપવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ક્રૂડ ઓઈલની કિંમતોમાં જે પ્રકારનો વધારો થયો છે, આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની પ્રક્રિયા ફરી શરૂ થઈ શકે છે. જેમાં મોંઘવારી હજુ પણ વધી શકે છે. કોઈપણ રીતે, સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણ માટે ભારે નુકસાનનો સામનો કરી રહી છે.