અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધ
કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે એક નવી જ નીતિ સાથેની અગ્નિપથ યોજના જાહેર કરી છે, જેનો દેશભરના યુવાનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરીને તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે. સેનામાં ભરતી થઈને કાયમી જોડાવા માંગતા યુવાનોને આ યોજનાના કારણે ભાવનાઓને ઠેસ પહોંચી છે અને ગુજરાત રાજ્ય સહીત દેશના અનેકો રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે. ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા.
બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો પણ શરૂ થયા છે. દેશમાં આ યોજનાના વિરોધ વચ્ચે હવે ઘણા સંગઠનોએ આજે (20 જૂન) ભારત બંધનું એલાન કર્યું છે. ભારત બંધના એલાન બાદ રાજ્યોની પોલીસે તેમની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. જીઆરપી અને આરપીએફ પણ રેલ્વેને નુકસાનથી બચાવવા માટે સજ્જ થઈ ગયા છે.
હરિયાણામાં ભૂતકાળમાં આ આંદોલનને લઈને ઘણા જિલ્લાઓમાં હિંસક પ્રદર્શનો થયા હતા. આવી સ્થિતિમાં ભારત બંધ દરમિયાન કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે ફરીદાબાદ પોલીસે તેની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. યુપીમાં નોઈડા પોલીસનું કહેવું છે કે ગૌતમ બુદ્ધ નગરમાં પહેલાથી જ કલમ 144 લાગુ છે, તેથી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર વિરોધ પ્રદર્શનના સંબંધમાં 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ફરીદાબાદ પોલીસ, કેરળ પોલીસે આજે ભારત બંધ અને વિરોધને લઈને સૂચનાઓ જાહેર કરી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. અને સરકારી સંપત્તિને કોઈ નુકશાન ન પહોંચે અને કોઈ મોટી સમસ્યા ન સર્જાય તે માટે રાજ્યોની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. પંજાબના ADGP કાયદો અને વ્યવસ્થાએ તમામ CP અને SSP ને ભારત બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયાથી ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહ્યા છીએ. ભારત બંધ દરમિયાન કોઈ આ પ્લેટફોર્મનો દુરુપયોગ ન કરે તેની અમે ખાસ કાળજી રાખીશું.