પ્રથમ સ્માર્ટ સિટી ક્યારે થશે તૈયાર ? મોદી સરકારે આપ્યો જવાબ.
નવી દિલ્હીઃ
બનારસને ટોક્યો અને દેશના 100 શહેરોનો સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના મોદી સરકારના મહાત્વાકાંક્ષી યોજના પર સરકારે લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે. એક અંદાજ અનુસાર, વર્ષના અંત સુધી 20 હજાર કરોડ રૂપિયા વધુ ખર્ચ કરાશે. સરકારનો દાવો છે કે પ્રથમ સ્માર્ટ સિટી 2021 સુધીમાં બનીને તૈયાર થઇ જશે.
રાજ્યસભામાં સરકારની યોજના સ્માર્ટ સિટી પરના એક સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, મોદી સરકારના 100 સ્માર્ટ સિટી બનાવવાના પ્લાન પર ઝડપથી કામ થઇ રહ્યુ છે.
સરકારના કહેવા પ્રમાણે, પ્રોજેક્ટનો પ્રથમ ચરણ જાન્યુઆરી 2016માં શરૂ થયો હતો જેમાં અત્યાર સુધીમાં 37 ટકા ફંડ વપરાઇ ચૂક્યું છે. આ યોજના હેઠળ તમામ એક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર 500 કરોડ રૂપિયા આપશે જ્યારે બાકીના રૂપિયા રાજ્ય સરકાર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અને લોન મારફતે ખર્ચ કરવામાં આવશે.
સરકારે કહ્યું કે, જનભાગીદારી હેઠળ સ્માર્ટ સિટીનું 25 લાખ નાગરિકો દ્ધારા પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 90 ટકા બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે એટલે કે આ શહેરો અગાઉથી જ વસેલા છે પરંતુ તેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. બાકી 10 ટકા ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. કુલ મળીને સરકારની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર 2,05,800 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સ્ટેન્ડિગ કમિટિના કહેવા પ્રમાણે, સ્માર્ટ સિટીમાં ફક્ત સાત ટકા બજેટનો ઉપયોગ થયો છે. એટલું જ નહી કમિટિ એ વાતને લઇને પરેશાન હતી કે આ પ્રોજેક્ટ ફક્ત ડ્રોઇગ બોર્ડમાં છપાઇને રહી ગયો છે. જેના પર સરકારે કહ્યું કે, કમિટિ યુટિલાઇઝેશન સર્ટિફિકેટના આંકડાઓને આધાર માની રહી છે જે જૂના છે. જોકે, સરકારને માન્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનમાં ખામી આવી રહી છે.