નવરાત્રિની 7 દિવસની રજા દિવાળી વેકેશનમાંથી કપાશે, બદલાશે પરીક્ષાની તારીખ.
ગાંધીનગર :
શિક્ષણ વિભાગે નવરાત્રિ દરમિયાન 7 દિવસની રજાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાત દિવસની રજા દિવાળી વેકેશનમાંથી કાપવામાં આવશે. આમ દિવાળી વેકેશન ટૂંકુ થઈ જશે. શિક્ષણમંત્રીએ અતિ ઉત્સાહમાં આવીને 15 થી 21 ઓક્ટોબર સુધી નવરાત્રિની રજા જાહેર તો કરી દીધી હતી. પરંતુ 19 ઓક્ટોબર થી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી યોજાવાની છે. આ વિરોધાભાસને કારણે વિદ્યાર્થીઓએ વેકેશન ગણવું કે પરીક્ષા તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ અંગે હવે સરકાર પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિચારણા કરી રહી છે.
શનિવારે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ એકાએક ભાવનગરથી રાજ્યભરની શાળા કોલેજોમાં નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી દીધી હતી. જે અંગે મુખ્યમંત્રી રૂપાણીએ પોતે પણ અજાણ હોવાનો સ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારે વિભાવરીબેનના નિવેદન બાદ નવરાત્રિ વેકેશનની રજાઓ જાહેર કરી હતી. તેમાં પણ ભાંગરો વાટ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે, નવરાત્રિની શરૂઆત 10 ઓક્ટોબરથી થઈ રહી છે, જ્યારે સરકારે 15 ઓક્ટોબરથી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.