ઉનાકાંડનો મુદ્દો: કલોલ પાલિકા મહિલા સભ્યનાં પતિએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઝેર પીધું
કલોલ : કલોલ નગરપાલિકાની ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં ઉનાકાંડનો મુદ્દો ઉછળ્યો હતો. સભાના આરંભે વિપક્ષ કોંગ્રસે દલિતો ઉપરના અત્યાચારનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર રજૂ કર્યુ હતું. તેની ઉપર કોઇ પણ પ્રકારની ચર્ચા કરવામાં નહીં આવતાં રોષે ભરાયેલા મહિલા સભ્ય મંદાબેન મકવાણાના પતિ દિપકભાઇએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઝેરી દવા પી લીધી હતી. તેના પગલે શાસક અને વિપક્ષના સભ્યો, રાજકીય આગેવાનો અને અધિકારીઓ-કર્મચારીઓમાં ફફડાટની સાથે ભારે સોપોં પડી ગયો હતો.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં દલિતો પરના અત્યાચારના મુદ્દે ભાજપ-કોંગ્રેસના સભ્યો આમનેસામને આવી ગયાં હતાં અને સર્જાયેલા વરવા દ્રશ્યોનું પુરનાવર્તન આજે કલોલ પાલિકાની સામાન્ય સભામાં જોવા મળ્યુ હતું. કોંગી સભ્યોએ રજૂ કરેલા આવેદનપત્રનો સહેજ પણ ઉલ્લેખ કર્યા વગર ભાજપે સંવેદનશિલ ઘટનાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરતાં જ ભડકો થયો હતો.
કલોલ પાલિકા સામાન્ય સભામાં વિકાસના 14 કામના એજન્ડા અંગે ચર્ચા કરવાની હતી. ત્યારે બોર્ડની કાર્યવાહી ચાલુ થતાની સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો દ્રારા ઉનામાં થયેલા દલિતો પરના અત્યાચાર સંદર્ભે આવેદનપત્ર રજૂ કરી તેને વંચાણમાં લેવા આગ્રહ કર્યો હતો. ત્યારે પાલિકા પ્રમુખ આનંદીબેન પટેલે આ અંગે સરકાર દ્રારા કડક પગલા લેવાઇ રહ્યા છે. તેમજ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમ કહી આવેદન વાંચવાનું મોફુક રાખી બોર્ડની કાર્યવાહી ચાલુ કરી હતી. જેનો કોંગ્રેસી કાઉન્સિલરો દ્રારા વિરોધ કરતા બોર્ડની કાર્યવાહી ફક્ત 14 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.
જેમાં વિકાસના કામોને બહમતીથી પાસ કરી દેવાયા હતા. આટલી ઝડપી કાર્યવાહી પૂર્ણ કરી એને બોર્ડમાં મુકવામાં આવેલા કામોની ચર્ચા ન કરતા વિરોધ પક્ષે નારાજગી દર્શાવી હતી અને પ્રમુખની ચેમ્બરબહાર નીચે બેસી જઇ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. બનાવની જાણ થતાં કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પાલિકામાં દોડી આવ્યા હતાં અને ચીફ ઓફિસરને બોર્ડની કામગીરી ખોટી અને નિયમ વિરૂધ્ધ થઇ હોવાની રજૂઆત કરી હતી. આ અંગે પ્રાંત ઓફિસરને રજૂઆત કરતાં તેઓ પણ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા.