વાવોલની સિધ્ધાર્થ હેવન સાઈટના બિલ્ડરની ઘોર બેદરકારીના કારણે મજૂરનું ઘટના સ્થળે થયું મોત
ગાંધીનગર :
ગાંધીનગરના ન્યૂ વાવોલ વિસ્તારમાં આવેલી સિધ્ધાર્થ હેવન સાઈટ નજીકથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનને અડી જવાથી ૨૫ વર્ષીય એક મજૂર કરંટ લાગવાથી લટકીને મોતને ભેટયો છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં બિલ્ડરની બેદરકારી હોવાનું પ્રત્યક્ષદર્શીઓ દ્વારા કહેવાઈ રહ્યું છે. આ અંગે સેકટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આજે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનનો 25 વર્ષીય સુખદેવ મોગીલાલ લુહાર સાઈટ પર કામ અર્થે ઉપર ચડયો હતો. એ દરમ્યાન નજીકથી પસાર થતાં હાઈ ટેન્શન વાયરને અડી જતાં જોરદાર ઝટકા સાથે વીજ કરંટ લાગ્યો હતો. અને સુખદેવ ફેંકાઈને ઉપર જ લટકીને મોતને ભેટયો હતો. સુખદેવની લાશ લટકતી જોઈને અન્ય મજૂરો ફફડી ઉઠયા હતા. જ્યારે બનાવની જાણ થતાં સેકટર – 7 પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં બિલ્ડરની ગંભીર બેદરકારી હોવાના સ્થાનિકોએ આક્ષેપો કરીને કહ્યું હતું કે સાઈટથી એક-બે ફૂટના અંતરે રહેલાં હાઈ ટેન્શન વાયર વચ્ચે અહીં શ્રમિકોને કામ કરાવાતું હતું. ત્યારે સાઈટ શરૂ કરતાં પહેલાં અહીંથી વાયર ખસેડવા કે અન્ય પ્રોસેસ કરાઈ હતી કે કેમ તે એક સવાલ છે. બાંધકામ સાઈટની ઓફીસ વીજ ટ્રાન્સફોર્મરને અડીને આવેલી છે, આ ઓફીસના બાંધકામ સમયે પણ શ્રમિકોએ જીવના જોખમે કામગીરી કરી હશે તે નક્કી છે. ત્યારે આ સાઈટમાં એક પૂર્વ ધારાસભ્યની ભાગીદારી હોવાની પણ ચર્ચાઓ વહેતી થઈ છે.