છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ: આજથી વરસાદનું જોર વધવાની વકી
રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. આરાધના અને આસ્થાનું કેન્દ્ર ગણાતો ગરવો ગઢ ગિરનાર વાદળો વચ્ચે વિહરતો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તે જોતા આસપાસ નદીઓ વહેતી હોય તેવુ જ લાગે છે.
ગુજરાતમાં વરસાદની સુનામી આવી છે એવો માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટીસંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.