ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 70 ટકા વરસાદ
ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે. સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો. જો કે આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો.
ઉત્તર ગુજરાતના ડેમોમાં નહીવત પાણીની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમોમાં માત્ર 24.38 ટાક જ પાણીનો સંગ્રહ થયો. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો. તો આ તરફ 55 ડેમ હાઈએલર્ટ ઉપર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો. જ્યારે 6 ડેમો એલર્ટ પર મુકાયા છે જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. તો 17 ડેમોમાં 70થી 80 ટકા જળસંગ્રહ થતા વોર્નિંગ પર મુકાયા છે. રાજ્યના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો જળસંગ્રહ થવા પામ્યો.બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ
એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા