17 વર્ષથી ઉપરના પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે
હવે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા. 1 જાન્યુઆરીએ 18 વર્ષ કે તેથી વધુની ઉંમર ફરજિયાત નથી. કોઈપણ યુવાન કે જે 17 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોય તે નામ નોંધાવી શકશે એવી જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનરે કરી છે. જોકે, મતદાન સમયે તેની ઉમર 18 વર્ષ કે તેથી વધુની હોવી ફરજિયાત જ રહેશે.
મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર તથા ચૂંટણી અધિકારી અનૂપ ચંદ્ર પાંડેના નેતૃત્વમાં ચૂંટણી પંચે તમામ રાજ્યોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને ટેક્નિકલ સમાધાન તૈયાર કરવા માટે નિર્દેશ આપ્યો છે જેથી યુવાનોને વર્ષમાં 3 વખત એડવાન્સમાં અરજી કરવાની સુવિધા મળી શકે. આ માટે તેમણે પહેલી જાન્યુઆરી સુધીની રાહ નહીં જોવી પડે. ત્યાર બાદ દર 3 મહિને વોટર લિસ્ટને અપડેટ કરવામાં આવશે તથા પાત્ર યુવાનો તે વર્ષના આગામી 3 માસ દરમિયાન રજિસ્ટર કરાવી શકશે જે સમય દરમિયાન તેઓ 18 વર્ષ પૂરા કરવાના છે. રજિસ્ટ્રેશન બાદ યુવાનોને એક ઈપીઆઈસી ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ 2023ના વોટર લિસ્ટ માટે સંશોધન ચાલી રહ્યું છે. કોઈ પણ નાગરિક જે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર 2023 સુધીમાં 18 વર્ષનો થઈ રહ્યો છે તે મતદાતા તરીકે રજિસ્ટ્રેશન માટે એડવાન્સ અરજી કરી શકે છે.
ચૂંટણી પંચની ભલામણો બાદ કાયદા મંત્રાલયે આરપી અધિનિયમમાં સંશોધન કર્યું હતું. તેમાં 4 યોગ્યતા તિથિઓ એટલે કે, 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરને યુવાનો માટે મતદાર યાદીમાં નોંધણી માટે પાત્રતા તરીકે ફાળવવામાં આવી છે. પહેલા માત્ર 01 જાન્યુઆરીની તારીખ જ યોગ્ય માનવામાં આવતી હતી.