ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે ફરી વરસાદી સિસ્ટમ બંધાઈ રહી છે. જેના કારણે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. જુલાઈના વરસાદથી રાજ્યના ડેમોમાં નવું પાણી આવ્યું છે. આનાથી પીવા અને ખેતી માટે પાણીની ચિંતા ટળી જાય છે.
નર્મદા ડેમની સપાટી પણ 131 મીટરે પહોંચી છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટાં પડતાં ગરમી અને પવનથી રાહત મળી હતી. તેમજ આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અમદાવાદમાં રવિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં અને છાંટા પડ્યા હતા.
અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે-ત્રણ દિવસમાં શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.રાજ્યમાં 70.07 ટકા વરસાદ નોંધાયો છે.રરાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 117 ટકા વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ નોંધાયો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56.86 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ અત્યાર સુધીમાં રાજ્યના 251 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20 થી 40 ઈંચ, 100 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5 થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે.