મગફળી કૌભાંડમાં ભાજપના બે નેતા સસ્પેન્ડ
રાજકોટ:
મોટી ધણેજની સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીમાં ધૂળના ઢેફા ભેળવી આચરવામાં આવેલા કૌભાંડમાં દરરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. રિમાન્ડ પર રહેલા મુખ્ય કાવતરાખોર મગન ઝાલાવડિયાના ઘરેથી સળગેલાં બારદાનનો જથ્થો મળી આવતાં રાજકોટ માર્કેટિંગયાર્ડમાં લાગેલી ભેદી આગમાં પણ મગનની સંડોવણીની દ્રઢ શંકાએ પોલીસે તપાસ આગળ ધપાવી હતી અને તેની હોટલને પણ સીલ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગમાં મગન ઝાલાવડિયા ડાયરેક્ટર છે. મગફળી કૌભાંડમાં સંડોવણી બાદ આ હોદ્દા પરથી તેની હકાલપટ્ટી થઇ શકે છે. હવે સૌની નજર રજિસ્ટ્રારના રિપોર્ટ પર છે.
રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 31 જુલાઇના કૌભાંડ પ્રકાશમાં આવતા તા.1 ઓગસ્ટના ગુનો નોંધવામાં આવ્યો હતો અને આજ સુધીમાં 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ પર રહેલા ગુજકોટના વેરહાઉસ મેનેજર મગન નાનજી ઝાલાવડિયાના ઘરે સોમવારે દરોડો પાડવામાં આવ્યો હતો. મગનના ઘરેથી મંગળવારે સળગેલા બારદાનનો જથ્થો મળી આવ્યો હતો.
રાજકોટ માર્કેટિંગયાર્ડમાં ચાર મહિના પૂર્વે આગ લાગી હતી અને તેમાં 20 કરોડના બારદાન સળગી ગયા હતા. મગનના ઘરેથી મળેલા બારદાનનો જથ્થો રાજકોટ યાર્ડનો હોવાનું સ્પષ્ટ થયું હતું, યાર્ડમાં લાગેલી આગમાં પણ મગનની સંડોવણી હોવાની દ્રઢ શંકા સેવાઇ રહી છે અને તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.