અમદાવાદમા મેગા ડિમોલિશન ડ્રાઇવનો સાતમો દિવસ, લાલ દરવાજા આસપાસના વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ
અમદાવાદ:
મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુકત મેગા ડિમોલિશનની ડ્રાઇવનો આજે સાતમો દિવસ હતો. ગઈકાલે મંગળવારે કુલ 4281 દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. ત્યારે આજે 6 DCP, 8 ACP અને 250 પોલીસ કર્મીઓ તથા કોર્પોરેશનનો સ્ટાફ મળીને આજે ટ્રાફિક દબાણ હટાવનો મેગા ડિમોલિશન ડ્રાઈવ કરી રહ્યા છે. લાલ દરવાજા આસપાસના વિસ્તારોમાં આ ડ્રાઈવ થઈ રહી છે. જેમાં ભદ્ર, લાલ દરવાજા, પાનકોરનાકા સામેલ છે. તો સરખેજ વિસ્તારમાં આવેલા એસજી હાઈવે પરના સાણંદ ચોકડી સુધીના દબાણો પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પાંચ દિવસમાં શહેરભરમાં દબાણો દૂર કરીને 23,611 ચોરસ મીટર જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરાઈ હતી. ઈતિહાસમાં પહેલી વખત મ્યુનિ.દ્વારા જુહાપુરા અને કોટ વિસ્તારમાં ખાસ કરીને કાળુપુર દરવાજા સહિતના વિસ્તારોમાં મોટા પાયે દબાણો હટાવ્યાં હતાં. નવા પશ્ચિમ ઝોનમાં આવેલા સરખેજથી જુહાપુરા સુધીના રોડ અને અંદરના સંકલિતનગર સહિતના વિસ્તારોના દબાણો પહેલી વખત એસ્ટેટ વિભાગે પોલીસને સાથે રાખી તોડી નાખ્યા હતા. મ્યુનિ.અને પોલીસના કાફલાને જોતા જ સંખ્યાબંધ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. મધ્ય ઝોનના કાલુપુર દરવાજા પાસે પણ દબાણો તોડાયા હતા.
એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સ્થાનિક વેપારીઓને પહેલા જાતે દબાણ ખસેડી દેવા તાકીદ કરવામાં આવે છે, જેના ભાગરૂપે સંખ્યાબંધ સ્થળોએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છાએ દબાણો ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં વેપારીઓ દ્વારા ખસેડવામાં આવ્યા ન હતા ત્યાં જેસીબીના હથોડા ફટકારી દબાણો તોડી નાખવામાં આવ્યા હતા. ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં દબાણ તોડતી વખતે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સર્જાયા હતા. મધ્ય ઝોનમાં કાળુપુર દરવાજાથી ટાવર સુધીના રોડ પર પણ દબાણો તોડાયા હતા.