નાફેડમાં મુશ્કેલીઓ ચાલી રહી છે, મગફળીની અછતને લઇ તેલમાં વધે છે ભાવ.
રાજકોટ:
સિંગતેલ સહિત તેલના ભાવમાં બે દિવસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં ડબ્બે 70 રૂપિયા જેવો ભાવવધારો જોવા મળ્યો છે. રાજકોટમાં રહેલા સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, નાફેડમાં થોડીઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે જેને લઇ સમયસર ડિલિવરી સહિતના અનેક પ્રશ્નોના કારણે મગફળીની અછત જોવા મળી રહી છે આથી ભાવધારો થયો છે. જો કે સામે સિંગતેલની એવી કોઇ ભારે માંગ પણ નથી.
સમીર શાહે વધુમાં જણાવ્યું હતું કે, થોડા સમયથી તેલના ભાવ જ નીચા હતા. જન્માષ્ટમી અને દિવાળીમાં તેલનો વધુ ઉપાડ રહેતા હવે ભાવ વધશે. નીચા ભાવથી ભાવ વધ્યા છે. જેને લઇ ખેડૂતોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. તેલના એક વેપારી ભાવેશભાઇએ જણાવ્યું હતું કે, દોઢ માસ પહેલા તેલનો ડબ્બો 1410થી 1425ની વચ્ચે મળતો હાલ ડબ્બાનો ભાવ 1550 સુધી પહોંચ્યો છે. આગામી દિવસોમાં પણ હજુ ભાવ વધશે.
જેતપુરના પેઢલાના ગોડાઉનમાં મગફળીકાંડને લઇને સોમાના પ્રમુખ સમીર શાહે નાફેડમાં પત્ર લખ્યો છે. તેણે પત્રમાં જણાવ્યું છે કે, પેઢલાના ગોડાઉનમાંથી જે વેપારીઓએ મગફળી ખરીદી છે તેમને અન્ય ગોડાઉનમાંથી મગફળી આપો. વેપારીઓએ પૈસા આપ્યા બાદ પણ કૌભાંડને કારણે મગફળી મળી નથી. વેપારીઓને પેઢલાના ગોડાઉનને બદલે અન્ય ગોડાઉનમાંથી મગફળી આપવા રજૂઆત કરી છે.
તેલના વધતા ભાવને લઇને આજે મંત્રી જયેશ રાદડિયા ઓઇલ મિલરો સાથે સમીક્ષા બેઠક પણ કરશે. જેમાં સંગ્રખોરીથી લઇ ભાવ કેમ કંટ્રોલ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર પાસે પણ નાફેડનો મોટો સ્ટોક 6 લાખ મેટ્રીક ટન મગફળી છે. જો તે વેચવામાં આવે તો ભાવમાં મોટો વધારો જોવા નહીં મળે. બીજી તરફ તહેવારો આવી રહ્યા છે અને સૌથી વધુ ઉત્પાદન ધરાવતા સૌરાષ્ટ્રમાં અમુક સ્થળે વધુ વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વરસાદ ખેચાવાથી સરખો પાક ન થાય જેને લઇ આગામી દિવસોમાં સિંગતેલમાં ભાવ વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.