ગાંધીનગર

પાટનગરમાં રાજકીય દબાણ ના કારણે દબાણ અને પાર્કિંગની સમસ્યા ઘણી વિકટ બની રહી છે.

ગાંધીનગરઃ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાસ કરીને “રાજકીય દબાણ”ના કારણે દબાણ અને પાર્કિંગની સમસ્યા ઘણી વિકટ બની રહી છે. જેમાં આજદિન સુધીમાં ઠેર ઠેર ઊભા થઇ ગયેલા આડેધડ દબાણો સામે નહીં જાગેલા સ્થાનિક તંત્ર અને સરકાર દ્વારા ૯૦ કોમર્શીયલ કોમ્પલેક્ષમાં નોટિસ ફટકારી છે. જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે પાર્કિંગમાં વાહનો ટોઈંગ કરવા માટે ત્રણ નવા ટોઈંગ વાહનો માત્ર ૧૦ દિવસના ભાડે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રખડતા ઢોરો પકડવા માટે પાંજરાવાળું વધુ એક વાહન ખરીદવા સાથે વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું મશીન ખરીદવા ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.ગાંધીનગર શહેરની સ્થાપના વખતથી જ દબાણ અને ટ્રાફિક નિયમનના સંપૂર્ણ અભાવ સાથે પાર્કિંગનો પ્રશ્ન માથાનો દુઃખાવો બની રહ્યો છે. જેમાં સ્થાનિક તંત્ર દ્વારા ક્યારેક ગેરકાયદે દબાણો સામે તવાઈ લાવવામાં આવે ત્યારે સરકારી અને રાજકીય દબાણના કારણે આડેધડ બાંધકામો કરનાર ઉપર કોઈ જ દબાણ રહેતું નથી. એ જ રીતે રાજકીય છત્રછાયા હેઠળ સત્તાવાર ઝુંપડપટ્ટી સિવાય દરેક સેકટરો અને જાહેર સ્થળોએ ગેરકાયદે ઝુંપડાઓની અનેક વસાહતો થઇ ગઈ છે. તો નવા સેકટરોમાં વીવીઆઈપીઓના ડરે કોઈ તે બાજુ જોવાની પણ હિંમત કરતુ નથી. હવે ગુજરાત હાઇકોર્ટના આદેશથી જાગેલી રાજ્ય સરકાર દ્વારા તમામ ૮ મહાનગર પાલિકાઓમાં પાર્કિંગ અને દબાણો સામે કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આથી ગાંધીનગરમાં પણ એક અઠવાડિયા અગાઉ લારી-ગલ્લા દુર કરાયા બાદ છેલ્લા ત્રણ દિવસથી દબાણ અને પાર્કિંગના પ્રશ્ને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં પાર્કિંગની સમસ્યા દુર કરવા માટે વધુ ત્રણ ટોઈંગ વાહનો ભાડે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રોજના રૂપિયા ૧૧,૪૦૦ પ્રમાણે ડ્રાઈવર અને ૪ મજુરો સાથે ૧૦ દિવસ સુધી ટોઈંગ વાહન ભાડે રખાશે. આ ઉપરાંત અત્યારે એક જ ટોઈંગ વાહન હોવાથી નવા બે ટોઈંગ વાહન ખરીદવા દરખાસ્ત કરવામાં આવી છે. જ્યારે રખડતા ઢોરો પકડવા અને વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યારના મશીનનું આયુષ્ય પુરૂ થઇ ગયું હોવાથી નવું વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ મશીન ખરીદવા દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, સ્થાનિક તંત્રે કોમર્શીયલ કોમ્પ્લેક્ષીસમાં પાર્કિંગ ફરજીયાત ખોલાવી મુખ્ય રાજમાર્ગો પર થતા આડેધડ પાર્કિંગ સદંતર બંધ કરાવવા જોઈએ. જેમાં સેક્ટર- ૧૧, ઘ-૫થી ૧૭/૨૨, ઘ-૪થી ઘ- ૫ સર્વિસ રોડ, ઘ– સાડાચાર બસ સ્ટેન્ડ, ઘ-2, સેકટર-6, હાઈ-ટેક હોસ્પિટલ વગેરે સ્થળોએ કડક કાર્યવાહી કરવા સાથે તંત્રના ફૂટી ગયેલા અને હપ્તા ઉઘરાવતા કારમી-અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x