Gift Cityની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ક્ષેત્રની કંપનીનાં ડેટા ચોરીને 6 કરોડની થઈ ઠગાઈ
ગાંધીનગર:
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આવેલી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ક્ષેત્રની સિદ્ધાર્થ લોજિસ્ટિક્સ FTWZ પ્રા. લિ. કંપની સાથે ત્રણ કર્મચારીઓએ કાવતરું રચીને એર ડિફેન્સના સંવેદનશીલ ડેટાનો દુરુપયોગ કરીને છ કરોડનું ફુલેકું ફેરવવામાં આવતાં ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ કર્મચારીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ઈઝરાયેલની કંપનીને ઓછા ભાવનું ક્વોટેશન ઉપરાંત 18 રડાર્સ એક્સપોર્ટ કરવા માટેનું ક્વોટેશન ઈન્ડિયાની કંપનીને પણ ઓછા ભાવનું આપીને સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આપવામાં આવ્યો છે.
દેશ-વિદેશમાં ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કાર્ગો લોજિસ્ટિક્સનું કામ કરતી ગિફ્ટ સિટી સ્થિત સિદ્ધાર્થ લોજિસ્ટિક્સ FTWZ પ્રા. લિ કંપની દેશમાં 19 ઓફિસ ધરાવે છે. જેમ ત્રણસો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જે પૈકી ગિફ્ટ સિટી ખાતેની ઓફિસમાં વાસુપાલસિંગ ગોવિંદસિંગ રાણાવત (રહે. ઈસ્ટ ગોદાવરી, આંધ્રપ્રદેશ) સિનિયર કો-ઓર્ડિનેટર તરીકે અને અબ્દુલ લતીફ (રહે. જે.જે. કોલોની, દિલ્હી) અને રાજેશ કુમાર ગોસ્વામી (હિસ્સાર, હરિયાણા) કામ કરે છે. તો વાસુપાલસિંગ દિલ્હી રાજસ્થાન કાર્ગો મૂવર્સમાંથી છૂટા થઈને સિદ્ધાર્થ લોજિસ્ટિક્સમાં કંપનીની શરતોને આધીન જોડાયા હતા.
આ શરતો મુજબ ત્રણ મહિના પહેલા રાજીનમુ આપવાનો અને રાજીનામું આપ્યા બાદ ત્રણ વર્ષ સુધી કંપની જે પ્રકારનું કામ કરે છે તે પ્રકારનું કામ કરતી અન્ય કંપનીમાં કામ નહીં કરવાનો તથા ટોપ સિક્રેટ માહિતી લીક નહીં કરવાની શરતોનો સમાવેશ થતો હતો. જ્યારે ઈઝરાયલની એરોસ્પેસ કંપની સાથે કાર્ગો લોજિસ્ટિક્સનું કામ ઈઝરાયલની પાર્ટનર કંપની સાથે કરવામાં આવતું હતું. આ કામગીરી વાસુપાલસિંગ, અબ્દુલ લતીફ અને રાજેશકુમાર સંભાળતા હતા. વાસુપાલે તા. 9 ફેબ્રુઆરી 2022ના રોજ રાજીનામું આપ્યું હતું.
ત્યારબાદ 16 માર્ચે ઈઝરાયલની ભાગીદાર કંપનીએ જાણ કરી હતી કે, 18 રડાર્સ એક્સપોર્ટ કરવા માટેનું ક્વોટેશન ઈન્ડિયાની એક કંપનીએ ઓછા ભાવનું ભર્યું છે. આ કંપનીનું નામ રણજય લોજિસ્ટિક્સ પ્રા. લિ. હતું અને તેની નોંધણી વાસુપાલના રહેઠાણના સરનામે થયેલી હતી.વાસુપાલે અગાઉ પણ પોતાના સંબંધીઓ અને મળતિયાઓ મારફતે સિદ્ધાર્થ લોજિસ્ટિક્સના કસ્ટમર સાથે ઓછા ભાવમાં બીડ નક્કી કરી નુકસાન પહોંચાડ્યું હતું. વેપારી સંબંધો સાચવવા ઈઝરાયલની કંપનીને ઓછા ભાવમાં કામ કરી આપ્યું હતું. તેથી રૂ.20.25 લાખનું નુકસાન થયું હતું. આ ઉપરાંત ચાલુ નોકરીએ વાસુપાલસિંગે વિશ્વાસઘાત કરી કંપનીના કસ્ટમરો સાથે કામ કરીને કુલ રૂ.4 કરોડના બિલિંગનું નુકસાન પહોંચાડ્યું હતું.
વાસુપાલસિંગ, અબ્દુલ લતીફ અને રાજેશકુમારે ઈરાદાપૂર્વક દિલ્હી રાજસ્થાન કાર્ગો મૂવર્સને વધારે ભાવ ચૂકવીને કમિશન પેટે રૂ.30 લાખની ઉચાપત કરી હતી. આમ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે કંપનીના ડેટા અને હોદ્દાનો દુરુપયોગ કરીને 30 જુન 2021 થી ઓગસ્ટ સુધીમાં રૂ.5. 50કરોડનું નુકસાન કરાવ્યું હતું, અને રૂ.30 લાખની ઉચાપત કરી હતી. એર ડિફેન્સના સંવેદનશીલ કામ સાથે સંકળાયેલી કંપની સાથે ઠગાઈના મામલે મેનેજર પ્રણવ દવેએ ફરિયાદ આપતાં ડભોડા પોલીસે ઉક્ત ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.