રાજયમાં વરસાદને કારણે 1200થી વધુ રસ્તા ધોવાતા અકસ્માતના બનાવો વધ્યા
ગાંધીનગર :
ભારે વરસાદમા રસ્તાનું ધોવાણ થાય અને ખાડા પડે, તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. દર વર્ષે ચોમાસામાં રાજ્યના રસ્તાઓની ખસ્તા હાલત થાય છે અને તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરીને ખાડા પુરી પણ દેતું હોય છે. જોકે ચાલુ વર્ષે અડધુ ચોમાસું પૂરું થવાને આરે હોવા છતા પરંતુ રસ્તાઓની હાલત હજુ સુધરી નથી. રાજ્યના મોટાભાગના રસ્તાઓ જાણે કે ડાન્સિંગ રોડ બની ગયા છે. ઘણા શહેરોમાં તો ખાડા એટલા છે કે જાણે રોડ બનાવ્યો જ ન હોય. અમદાવાદમાં ખરાબ રસ્તાઓના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી આંકડા મુજબ વરસાદને કારણે 1200થી વધુ રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 સ્ટેટ, 175 નેશનલ હાઇવે છે.
રાજ્યમાં એવો એક પણ જિલ્લો, તાલુકો કે ગામ નથી જેના માર્ગો ગર્વ લેવા જેવા અખંડિત હોય. ભારે વરસાદને કારણે રાજ્યભરના રસ્તા ધોવાયા છે..અને રોડ પર જ્યાં જુઓ ત્યાં બસ ખાડા જ ખાડા દેખાઇ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ખરાબ રસ્તા-ખાડાને કારણે છેલ્લા 15 દિવસમાં અકસ્માતના 5 હજાર 414 બનાવો નોંધાયા છે. સરકારના આંકડા મુજબ વરસાદને કારણે 1200થી વધુ રસ્તાને નુકસાન થયું છે. જેમાં 650 સ્ટેટ, 175 નેશનલ હાઇવે છે. રાજ્યમાં દર વર્ષની જેમ આ ચોમાસામાં પણ ઠેર-ઠેર માર્ગો ખાડામાં ફેરવાયા છે. કુલ 1225 માર્ગ ડેમેજ થયા છે. 650 સ્ટેટ હાઇવે, 175 NH, 400 માર્ગ પંચાયત હસ્તકના અન્ય રોડ પણ સલામત નથી.
કચ્છમાં ચાલુ વર્ષે 154 ટકા વરસાદ પડ્યો છે. જેને પગલે સૌથી વધુ નુકસાન રસ્તાઓને થયું છે. તો દક્ષિણ ગુજરાતમાં વાપી-વલસાડમાં અનેક જગ્યાએ માર્ગોની સ્થિતિ બહુ જ ખરાબ છે. વડોદરાના વાસણા ભાયલી રોડ પર છેલ્લા ઘણા દિવસોથી જાહેર માર્ગ પર ભયાનક ખાડાના કારણે રાહધારીઓ પરેશાન થયા છે. જ્યારે રાજકોટ કાગળ પર સ્માર્ટ સીટી બન્યુ હશે, પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ છે, ગોંડલ રોડ ચોકડીએ તો એવી સ્થિતિ છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં થરાદથી રાજસ્થાન સુધી હાઈવે પર અનેક ગાબડા પડ્યા છે.