ગાંધીનગરમાં ડુપ્લીકેટ પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું કૌભાડ સામે આવ્યું, શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજયના પાટનગર ગાંધીનગરમાં ડુપ્લીકેટ આધાર નીકળતા હોવાની વ્યાપક બૂમરાણ વચ્ચે હવે ડુપ્લીકેટ પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. નવા વીજ જોડાણ માટે ટોરેન્ટ પાવરમાં રજૂ કરવામાં આવેલા પ્રોપર્ટીકાર્ડની તપાસમાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. જેનાં પગલે જિલ્લા કલેકટરે હુકમ કરતા ઈન્ચાર્જ મામલતદારે બોરીજનાં શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે થોડા મહિના અગાઉ ડુપ્લીકેટ આધાર કાર્ડ કાઢવાનું રેકેટ બહાર આવ્યું હતું. હજી આ ગુનાની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું નથી એવામાં ડુપ્લીકેટ પ્રોપર્ટી કાર્ડ કાઢવાનું પણ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદોના પગલે સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં કયુઆર કોડ આધારિત પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવી રહ્યા છે. જો કે આ કાર્ડ પણ ડુપ્લીકેટ મળી આવતાં તંત્ર ચોંકી ઉઠયું છે.
ગાંધીનગરના બોરીજ ગામના કાળાભાઇ બબાભાઇ પુરબીયાએ ગત તા. 19 મી જુલાઈના રોજ મોજે બોરીજ સીટી સર્વે નંબર 00070218 ના ફાઇનલ પ્લોટ નં-215/11,નવાપરા ખાંટવાસ બોરીજ મુકામે નવીન વીજ જોડાણ માટે ટોરેન્ટ પાવર સેકટર-16 ગાંધીનગર ખાતે અરજી કરી હતી. જેની સાથે પુરાવા અંગે મિલકતકાર્ડ રજૂ કર્યું હતું. આ મિલ્કત કાર્ડની ખરાઇ કરવા ટોરેન્ટ પાવરકચેરી દ્વારા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરીને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. આથી કચેરી દ્વારા રેકર્ડ ચકાસણી કરવામાં આવતાં ઉક્ત સીટી સર્વેના પ્રોપર્ટીકાર્ડમાં મિલ્કત ધારક તરીકે વીરાજી હાલાજી ખાટનું નામ દાખલ હોવાનું સામે આવ્યું હતું. જેથી વીજજોડાણ અંગે કાળાભાઇ બબાભાઇ પુરબીયાએ રજૂ કરેલું મિલકતકાર્ડ બોગસ અને બનાવટી હોવાનું જણાઇ આવતા જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવી હતી. જે અન્વયે જિલ્લા કલેકટર ડો. કુલદીપ આર્યએ કાળાભાઇ બબાભાઇ પુરબીયા (આધારકાર્ડ મુજબ રહે, રામપુર ફુદેડા, વેરાબર તા-વડાલી જી-સાબરકાંઠા)એ નવીન વીજ જોડાણ મેળવવા ટોરેન્ટ પાવર કચેરીમાં બોગસ અને બનાવટી મિલકત કાર્ડ બનાવી રજૂ કર્યું હોવાથી પોલીસ દાખલ કરવાની સૂચના આપી હતી. આથી ઈન્ચાર્જ મામલતદાર ભાવનાબેન રબારીએ સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.