“હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત ૧૦૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું
હેપ્પી યુથ ક્લબ દ્વારા “હેપ્પી શિક્ષા પ્રોજેક્ટ” હેઠળ જરૂરિયાતમંદ વર્ગના બાળકોને ચોપડા-કંપાસ-કલર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત તા.૨૯મી ઓગસ્ટના રોજ સંસ્થા દ્વારા પસંદ કરવામાં આવેલી બે સ્કૂલો જેમાં સેક્ટર-૧૩માં નંદનવન આશ્રમશાળાના વિદ્યાર્થીઓ અને કોલવડાની સરકારી કન્યાશાળા-૨ની વિદ્યાર્થીનીઓ એમ કુલ મળીને ૧૦૦ જેટલાં બાળકોને આ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે પ્રોજેક્ટના દાતાઓ પૈકી જાણીતા કલાકાર અને અગ્રણી હિમાંશુભાઇ ભચેચ, નીતાબેન ભચેચ, શિવાની સુતરિયા, ઋષિકા ચક્રવર્તિ સહિત સંસ્થાના કોષાધ્યક્ષ ભાવના રામી અને સભ્ય અનિકેત સુમેસરા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રોજેક્ટ માટે સામાજિક અગ્રણી પ્રદિપસિંહ વાઘેલા તેમજ સંસ્થાના સભ્યો રાજન ત્રિવેદી અને નિશાંત શુક્લ તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. વિતરણ કાર્યક્રમમાં હિમાંશુભાઇ ભચેચે તેમની અાગવી રમુજી શૈલીમાં બાળકોનું મનોરંજન કરવા સાથે જીવનોપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું. સંસ્થા દ્વારા આ સેવા કાર્યમાં સહયોગ બદલ દાતાઓ તેમજ નંદનવન આશ્રમશાળાના આચાર્ય યોગેશભાઇ દરજી અને કોલવડા સરકારી કન્યાશાળાના શિક્ષિકા પારૂલબેનનો આભાર માનવામાં આવ્યો હતો.