પ્રેમલગ્ન કરી અમદાવાદ આવેલી યુવતીને વેચી દેવાનો પ્રયાસ : બે સંબંધીની ધરપકડ
અમદાવાદ:
રાજસ્થાનના ડુંગરપુરથી પ્રેમલગ્ન કરી અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેવા આવેલી પરિણીતાને વેચી દેવાનો પ્રયાસ કરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાના પતિના મામાની દીકરી અને બનેવીએ ભેગાં મળી કાવતરું રચી પરિણીતાનું અપહરણ કર્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા આસપાસનાં ગામડાંમાં ગોંધી રાખી લગ્ન માટે પરિણીતાને અલગ અલગ યુવકોને બતાવી હતી, પરંતુ યુવકોએ લગ્નની ના પાડતાં તેને પરત વાસણા છોડી દેવાઇ હતી. વાસણા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની ૧૯ વર્ષીય ઉર્વશી નામની યુવતીને તેની બાજુના ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાતાં બંને ઘેરથી નાસી ગયાં હતાં.
૧૭ જુલાઇના રોજ બંને કોર્ટમાં લગ્ન કરી અમદાવાદ આવી ગયાં હતાં.
હાલમાં વાસણાના ભરવાડવાસમાં આવેલ શિવશક્તિનગર માં ભાડાના મકાનમાં તેના પતિ સાથે રહે છે. તેના પતિના મામાએ ભાડાનું મકાન અપાવ્યું હોવાથી તેમને ઓળખતા હતા.
ગત ૩૧ જુલાઇના રોજ ઉર્વશીનો પતિ મજૂરીકામે ગયાે હતો. ઉર્વશી ઘેર એકલી હતી ત્યારે મામાની દીકરી ઇશીકા તેના ઘેર આવી હતી. ચરલ ગામે હોસ્પિટલે બતાવવા જવાનું કહી ઉર્વશીને સાથે રાખી નીકળી હતી. સાણંદ ચોકડી પાસેથી બાઇક પર ઇશીકાના જીજાજી વિનોદભાઇ તેને બેસાડી સુરેન્દ્રનગરના રાજપર ગામે લઇ ગયા હતા.
વિનોદભાઇના ઘરે કોઇ હાજર ન હતું. ઉર્વશીને એક અલગ રૂમમાં બેસાડી રાખી હતી. ઉર્વશીએ અહીં લાવવા બાબતે પૂછતાં વિનોદભાઇએ જણાવ્યું હતું કે તારાં લગ્ન કરાવવાનાં છે. હવે ક્યાંય જવાનું નથી તેમ કહીને રૂમમાં પૂરી દીધી હતી.
પાંચ દિવસ સુધી ઉર્વશીને રૂમમાં ગોંધી રાખી હતી. દરમ્યાનમાં એક યુવક વિનોદભાઇ સાથે આવ્યો હતો. વિનોદભાઇએ યુવકને ઉર્વશી સાથે લગ્ન કરવા બાબતે પૂછતાં યુવકે ના પાડી હતી. ઉર્વશીને શોધતાં પોલીસ અહીં આવશે તેવા ડરથી વિનોદભાઇ ઉર્વશીને ત્યાંથી લઇ વીરમગામ નજીક આવેલા વિઠ્ઠલગઢ ગામના એક મકાનમાં લઇ ગયા હતા.
ત્યાં પણ એક યુવક વિનોદભાઇ સાથે આવ્યો હતો અને તેને લગ્ન કરવા બાબતે પૂછતાં તેણે પણ ના પાડી દીધી હતી. પોલીસથી બચવા માટે ફરી વિનોદભાઇ તેને કુમરખાન ગામે લઇ ગયા હતા. ત્યાં એક મકાનમાં ઉર્વશીને ત્રણ દિવસ ગોંધી રાખી હતી.
આ મકાનમાં પણ એક યુવકને ઉર્વશી સાથે લગ્ન કરવા બાબતે લઇને વિનોદભાઇ આવ્યા હતા. આ યુવકે પણ લગ્નની ના પાડતાં વિનોદભાઇ પરત યુવતીને રાજપર ગામે લઇ આવ્યા હતા. પાંચ દિવસ સુધી ઉર્વશીને ગોંધી રાખી હતી. બીજી તરફ ઉર્વશી ગાયબ થઇ જતાં તેના પતિએ વાસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
ઉપરાંત ગુજરાત હાઇકોર્ટમાં પણ આ અંગે ફરિયાદ કરી હતી. ૧૬ દિવસ સુધી અલગ અલગ ગામમાં ઉર્વશીને ગોંધી રાખી તેનાં લગ્ન કરાવવા માટે અલગ અલગ યુવકોને બોલાવી તેને વેચી નાખવાનું કાવતરું પાર ન પડતાં ર૧ ઓગસ્ટના રોજ વિનોદભાઇ વાસણા બસ સ્ટેશન પાસે ઉર્વશીને ઉતારી જતા રહ્યા હતા.
ઉર્વશી ત્યાંથી સીધી વાસણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને બધી વિગત જણાવી હતી. પોલીસે આ બાબતે તેના પતિને જાણ કરતાં તે પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. વાસણા પોલીસે ઇશીકા અને તેના જીજાજી વિનોદભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી લીધી હતી.
વાસણા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.યુ. પરેવાએ જણાવ્યું હતું કે તેઓના સમાજમાં છોકરીઓની અછત હોવાથી લગ્ન કરવા માટે વેચી દેવાનું જણાઇ રહ્યું છે, જોકે આ મામલે હજુ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરાઇ રહી છે. (ભોગ બનનાર યુવતીનું નામ બદલ્યું છે.)