દૂધસાગર ડેરીમાં ૩૦૦ કરોડ આસપાસના ખોટા વ્યવહારનો કેસઃ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દૂધસાગર ડેરીના નાણાકીય છેતરપિંડી મામલે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ ઉપરાંત સીએ શૈલેષ પરીખ વિપુલ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા એસીબીમાં દૂધસાગર ડેરીની નાણાકીય છેતરપિંડી મામલે બંને સામે ફરિયાદ નોંધાઈ હતી. ૧૭ બેનામી કંપનીઓ બનાવીને આ રકમ વારંવાર ટ્રાન્સફર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વિપુલ ચૌધરી અને તેના સીએની ધરપકડ કરવામાં આવી છે. જે એસીબીને સોંપવામાં આવશે.
વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન હતા. ચેરમેન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ડેરી કંપનીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ અંગે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ મળતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી, તપાસ બાદ ૩૦૦ કરોડ આસપાસની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. કાર્યવાહી બાદ આખરે વિપુલ ચૌધરી અને પીએની ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરી અને પીએ શૈલેષ પરીખની ધરપકડ બાદ તેઓને એસીબી કચેરીમાં લાવવામાં આવ્યા છે. આ તમામ કૌભાંડો અંગે જરૂરી કાર્યવાહી થઈ શકે છે.
વિપુલ ચૌધરીએ અર્બુદા સેના બનાવી સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે વિપુલ ચૌધરીની ધરપકડ બાદ અર્બુદા સેના સંગઠનની શું ભૂમિકા રહેશે. અગાઉ પણ વિપુલ ચૌધરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે વિધાનસભાની ચૂંટણી બાદ ફરી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં કેવો બદલાવ આવશે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હવે ધરપકડ બાદ અર્બુદા સેનાની સભાઓ કરવાની ગતિવિધિ વધી ગઈ છે.