2019ની લોકસભાની ચૂંટણી ભાજપ-સંઘ અને વિપક્ષની વચ્ચે થશેઃ રાહુલ ગાંધી.
- લંડન:
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી યુરોપના પ્રવાસે છે. ત્યાંથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસ અને સરકારની નીતિઓ પર હુમલો કરી રહ્યા છે. શુક્રવારે મોડી રાતે લંડનમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું છે કે, 2019ની ચૂંટણી ભાજપ-આરએસએસ વિરુદ્ધ સમગ્ર વિપક્ષની છે. એક તરફ ભાજપ-આરએસએસ હશે અને બીજી બાજુ સમગ્ર વિપક્ષની પાર્ટીઓ હશે. તેનું કારણ એ છે કે, પહેલીવાર ભારતીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસની પ્રાથમિકતા ભાજપને હરાવવાની છે અને સંસ્થાઓ પર થઈ રહેલા અતિક્રમણને રોકવાની છે. 2014માં અમે ચૂંટણી હાર્યા તેનું એક કારણ એવું પણ છે કે, 10 વર્ષ સત્તામાં રહ્યા પછી અમને થોડું અભિમાન આવી ગયું હતું. અમે તેમાંથી પાઠ શીખ્યા છીએ.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ રાફેલ ડીલ, ભ્રષ્ટાચાર, મહિલા આરક્ષણ મુદ્દાઓ પર સરકારની નીતિની નિંદા કરી. તેમણે કહ્યું છે કે, અમે ભારતીય બંધારણ પર થઈ રહેલા હુમલાઓને રોકી રહ્યા છીએ. હું અને સમગ્ર વિપક્ષ એ વાતથી સહમત છીએ કે અમારી પ્રથમ પ્રાથમિકતા ઝેરને ફેલાતું અટકાવવાનું છે. હું પોતે હિંસાથી પીડિત હોવાથી કોઈની સાથે ક્યારેય પણ હિંસા થાય તો તેનો વિરોધ કરું છું. હું આ વિશે ખૂબ સ્પષ્ટ છું. આ પહેલાં ગુરુવારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અન્ય પાર્ટીઓએ ભારતની સંસ્થા પર કબજો કરવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. સંઘની વિચારધારા અરબ દેશોના કટ્ટરપંથી સંગઠન મુસ્લિમ બ્રધરહુડ જેવી છે.
અમે અહંકારના કારણે 2014ની ચૂંટણી હાર્યા
રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, 2014માં મળેલી હારથી તમે શું શીખ્યા? તેનો જવાબ આપતાં રાહુલે કહ્યું કે- 10 વર્ષ સત્તામાં રહ્યા પછી અમારામાં પણ થોડું અભિમાન આવી ગયું હતું. અમે તેમાથી પાઠ શીખ્યા છીએ. તેમણે કહ્યું, હું કોંગ્રેસને એક સંગઠન તરીકે નથી જોતો, તમે દરેક લોકો કોંગ્રેસી છો.
રાહુલે રાફેલ સોદા, મહિલા આરક્ષણ બિલ અને રોજગાર વિશે પૂછવામાં આવેલા સવાલના પણ આપ્યા જવાબ
1) રાફેલ સોદો અનિલ અંબાણીને આપવામાં આવ્યો, જેના ઉપર પહેલેથી જ રૂ. 45,000 કરોડનું દેવું હતું. તેમણે તેમના જીવનમાં ક્યારેય કોઈ પ્લેન નથી બનાવ્યું. હકિકતમાં સરકારે અમુક વેપારીઓ ફાયદો પહોંચાડવા માટે આ સોદો કર્યો છે.
2) મેં વડાપ્રધાનને મેસેજ મોકલ્યો છે કે, જે દિવસે તેઓ મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવા ઈચ્છતા હોય તે સમયે કોંગ્રેસ પાર્ટી ખુશીથી ભાજપનો સહયોગ કરશે.
3) ભારતમાં નોકરીની અછત છે. ચીન જ્યાં દર 24 કલાકે 50,000 નોકરીઓનું સર્જન કરે છે ત્યારે ભારત તેટલા સમય માત્ર 450 નોકરીઓ જ આપે છે.
4) હું અલ્પસંખ્યકો માટે એક અલગ દેશની વાતથી સહમત નથી. જો તમે છેલ્લા 70 વર્ષનો ભારતનો ઈતિહાસ જોશો તો તમે સમજી શકો છો કે, મોટા ભાગના અલ્પસંખ્યક આગળ વધવામાં સક્ષમ છે.
5) 50 અને 60ના દશકામાં પણ સંસદમાં દલીલોની ગુણવત્તા ખૂબ સારી હતી, પરંતુ તમે ભારતીય સંસદમાં આજે દલીલોનું સ્તર જોશો તો તેની ગુણવત્તામાં ખૂબ ઘટાડો થયો છે.