અમરેલીમાં બેરોજગારોની મદદમાં કોંગીજનો, બેરોજગારોની નોંધણી શરૂ કરવામાં આવી.
અમરેલી, તા. રપ
રાજયમાં 10 લાખ નોંધાયેલ અને ર0 લાખ ન નોંધાયેલ બેરોજગારો હોવાનો અંદાજ
પ્રદેશ કોંગ્રેસની સુચનાથી આજે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં કોંગ્રેસ પક્ષ ઘ્વારા બેરોજગારોની નોંધણી શરૂ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બેરોજગારોએ નોંધણી કરાવી હતી.
આ તબકકે કોંગી અગ્રણી ટીકુભાઈ વરૂ, પરેશ ભુવા, સંદિપ ધાનાણી, શરદ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારને આ યૌવનધન સામે જોવાની નવરાશ કે ચિંતા પણ નથી. છેલ્લા ર3 વર્ષથી ગુજરાતની પ્રજાની દશા બેઠી હોય તેમ લાગે છે. એમાં પણ શિક્ષિત બેરોજગારોની હાલત ભૂંડી થઈ છે.
નરેન્દ્ર મોદીના સ્વ-પ્રસિઘ્ધિના ચીલે ચાલીને ભાજપ સરકારે “વાઈબ્રન્ટ” બ્રાન્ડનાં નામે તાયફાઓ કરીને કરોડો રૂપિયા વેડફયા પરંતુ ન તો ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા કરે ન તો યુવાનો માટે નોકરીની તકો ઉભી થઈ. અને પરિણામે નોકરીઓ આપવાના ભાજપના વચનો પોકળ સાબિત થયા છે. આજે ગુજરાતમાં 10 લાખથી વધુ સરકારી ચોપડે નોંધાયેલ શિક્ષિત બેરોજગાર યુવાનો અને ર0 લાખથી વધુ ન નોંધાયેલા અર્ધશિક્ષિત અને કુશળ યુવાનો આમ કુલ 30 લાખથી વધુ યુવાનોબેકાર છે અને લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગાર ભાઈ-બહેનો સરકારની સામે આશાભરી નજરે મીટ માંડીને જોઈ રહૃાાં છે.
પેટે પાટા બાંધીને મા-બા પોતાના બાળકોને શિક્ષણ આપતા હોય છે. પરંતુ ભાજપ સરકારની શોષણખોર માનસિકતાને કારણે વેઠિયા મજુર જેવી કોન્ટ્રાકટ સિસ્ટમ અને ફિકસ પગાર જેવી વ્યવસ્થા ઘ્વારા સરકાર બેકાર યુવાનોના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કરી રહી છે.
આ પરિસ્થિતિમાં ગુજરાત યુવક કોંગ્રેસની માંગણી છે કે, બેરોજગાર યુવાનોને રોજગારી આપો અથવા જયાં સુધી રોજગારી ના મળે ત્યાં સુધી ધોરણ-1ર સુધીનો અભ્યાસ કરેલા ભાઈ-બહેનોને રૂા. 3000, ગ્રેજયુએટ યુવાનોને રૂા. 3પ00 તથા પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રીવાળા યુવાનોને રૂા. 4000 માસિક ભથ્થું આપવામાં આવે.
ભાજપ સરકાર મેળાવડાઓ, ઉત્સવો અને આયોજનો પાછળ લખલુંટ ખર્ચાઓ કરે છે પરંતુ બેકારી ભથ્થા માટેનું સ્પેશ્યલ બજેટ નિર્ધારિત કરવા જેવું વિધેયાત્મક પગલું લેવાની ના તો તેની કોઈ દાનત છે કે ના તો કોઈ ઈચ્છાશકિત.
નરેન્દ્રભાઈ મોદી ઘ્વારા વર્ષે બે કરોડ યુવાઓને રોજગારી આપવાની વાત કરવામાં આવી છે. જયારે તેમનાં જ મંત્રી નીતિન ગડકરી ઘ્વારા કહેવામાં આવે છે કે ભારત દેશમાં રોજગારીની તકો જ કયાં છે ? આમ સરકારનાં જ મંત્રીઓ ઘ્વારા સરકારનાંવચનોને પોકળ અને ખોટા સાબિત કરવામાં આવે છે.
બેરોજગારી, ફિકસ પગાર અને કોન્ટ્રાકટ સિસ્ટમ સામે લડવા માટે નિયત કરેલ ફોર્મ ભરી આપનું રજીસ્ટ્રેશન કરાવો અને ગુજરાત યુવક કોંગ્રેસને “રોજગાર મારો અધિકાર અભિયાન” સફળ બનાવવામાં સાથ આપો તેમ અંતમાં જણાવ્યું હતું.