રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારે ગુજરાતની મુલાકાતે
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારથી ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન મુર્મુ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. દ્રૌપદી મુર્મુ સોમવારે ગાંધીનગરની મુલાકાત લેશે. ગાંધીનગરમાં 373 કરોડના ખર્ચે નવી 600 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેનબસેરા બનાવવામાં આવશે.
ટ્રોમા સેન્ટરમાં 255 પથારી હશે જ્યારે દર્દીઓના સગાઓ માટે 448 બેડનું નાઈટ શેલ્ટર બનાવવામાં આવશે. ગાંધીનગર જનરલ હોસ્પિટલ પરિસરમાં બનાવવામાં આવનારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી કેથ લેબ ઉભી કરવામાં આવશે જ્યાં એન્જિયોગ્રાફી સહિતની હૃદયની પ્રક્રિયાઓ કરી શકાશે. કિડની, પ્લાસ્ટિક સર્જરી જેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. દ્રૌપદી મુર્મુ સાબરમતી આશ્રમની મુલાકાત લે તેવી શક્યતા છે. અહીં તેઓ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી શકે છે અને ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.