દેશનું સૌથી બીજું સ્વચ્છ શહેર બન્યું ગુજરાતનું આ શહેર
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શનિવારે સ્વચ્છતા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર સતત છઠ્ઠા વર્ષે ટોચ પર છે, જ્યારે સુરત બીજા સ્થાને છે. તેવી જ રીતે, અમદાવાદે સતત ચોથા વર્ષે દેશની સૌથી સ્વચ્છ મેગાસિટીનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. રાજ્યોની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે.નાના રાજ્યોમાં ત્રિપુરાને પ્રથમ સ્થાન મળ્યું છે. વિજેતા શહેરોને અભિનંદન આપતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં સ્વચ્છતા માટે ઈન્દોર મોડલ લાગુ કરવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2022 ના વિજેતાઓની જાહેરાત કરી. હવે સ્વચ્છતા મિશન અંતર્ગત કચરા મુક્ત શહેરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશનું ઈન્દોર સતત છઠ્ઠી વખત ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું છે, ત્યારબાદ ગુજરાતમાં સુરત અને ત્રીજા સ્થાને નવી મુંબઈ છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. વિશાખાપટ્ટનમ, વિજયવાડા, ભોપાલ, તિરુપતિ, મૈસુર, નવી દિલ્હી અને અંબિકાપુર એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની આ શ્રેણીમાં ટોચના 10 શહેરોમાં સામેલ છે.
આ સેગમેન્ટના 100 શહેરોની યાદીમાં આગ્રા છેલ્લા ક્રમે છે.મધ્યપ્રદેશે ‘સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2022’ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તે પછી છત્તીસગઢ અને મહારાષ્ટ્ર અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ વર્ષે મોટા શહેરોની શ્રેણીમાં ઈન્દોર અને સુરતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે નવી મુંબઈએ વિજયવાડાને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.સ્વચ્છ સર્વેક્ષણની મેગાસિટી કેટેગરીમાં અમદાવાદ સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમે આવ્યું છે. દેશના 4,575 શહેરોમાં અમદાવાદ 4 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ટોચ પર છે. આ સર્વેમાં અમદાવાદ 2016 અને 2017માં 14મા ક્રમે અને 2018માં 12મા ક્રમે હતું.સર્વેના પરિણામો અનુસાર, ત્રિપુરા 100થી ઓછા શહેરી સ્થાનિક એકમો સાથે રાજ્યોની યાદીમાં ટોચ પર છે. તેવી જ રીતે એક લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં મહારાષ્ટ્રના પંચગનીને પ્રથમ સ્થાન મળ્યું છે. તે પછી બીજા અને ત્રીજા સ્થાને છત્તીસગઢનું પાટણ (એનપી) અને મહારાષ્ટ્રનું કરહાર છે. ગંગાના કિનારે વસેલા શહેરોની શ્રેણીમાં હરિદ્વાર સૌથી સ્વચ્છ શહેર છે. આ શ્રેણીમાં વારાણસી બીજા અને ઋષિકેશ ત્રીજા ક્રમે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, કચરો વ્યવસ્થાપન અને શૌચાલયની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતાના માપદંડો પર દેશના 400 થી વધુ શહેરોને રેન્ક આપવા માટે 2016 માં પ્રથમ વખત ‘સ્વચ્છ’ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે 2016 માં શરૂ કરાયેલ સ્વચ્છ સર્વેક્ષણનો વ્યાપ દર વર્ષે વિસ્તૃત કરવામાં આવ્યો છે. 2016માં 73 શહેરોમાંથી શરૂ કરાયેલા સર્વેમાં 434 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે સ્વચ્છ સર્વેક્ષણની 7મી આવૃત્તિ 4,355 શહેરો સાથે વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયું છે. સર્વેમાં 91 ગંગા નગરો, 62 કેન્ટોનમેન્ટ વિસ્તારો સહિત 4,354 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં 9 કરોડથી વધુ લોકોના ફીડબેક નોંધવામાં આવ્યા હતા. ગયા વર્ષે આ સંખ્યા પાંચ કરોડ હતી.