ભ્રષ્ટાચારના દસ્તાવેજોને સળગાવવા આગ લગાડવામાં આવી: કોંગ્રેસ
ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના અરસામાં જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી હતી, જેમાં વિકાસ કમિશનર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી. આ આગ નજરે જોનારા મુજબ સૌપ્રથમ બારીમાંથી ધુમાડા નીકળતા જોયા હતા અને પછી ઊંચે સુધી ગયા અને આગ પ્રસરી હતી.
ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. અત્યારે ધુમાડાને બહાર કાઢવાની અને કૂલિંગ કરવાની કામગીરી કરાઇ રહી છે. એ બાદ FSLની ટીમ પહોંચીને ચેક કરશે. ત્યાર બાદ આગનું કારણ બહાર આવશે.ગાંધીનગરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં શુક્રવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી, જેમાં પંચાયત વિભાગની ઓફિસ આવેલી છે. આ આગમાં કરોડોના ભ્રષ્ટાચારના દસ્તાવેજો અને ફાઈલો બળીને રાખ થઈ ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી દ્વારા. કોંગ્રેસે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરી હતી.કોંગ્રેસના પ્રવક્તા દોશીએ આક્ષેપ કર્યો હતો કે કરોડોના કૌભાંડમાંથી બચવા માટે આગ લગાવવામાં આવી હતી અથવા સળગાવવામાં આવી હતી. રાજ્યના 18 હજાર ગામોમાં આર્થિક સહાયના મહત્વના દસ્તાવેજો અને રેકોર્ડ બળીને રાખ થઈ ગયા છે.
તેમણે કહ્યું કે આશ્ચર્યની વાત છે કે આગમાં ગુજરાત સરકારના મૂલ્યવાન દસ્તાવેજો બળી ગયા હતા, પરંતુ અધિકારીઓની ઓફિસમાં કોઈ નુકસાન થયું ન હતું. જીએસપીસીમાં ત્રીસ હજાર કરોડના કૌભાંડની આગમાં બળી ગયેલા ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશનના દસ્તાવેજોની કોઈ વિગતો હજુ બહાર આવી નથી.