અનિલ કપૂર-માધુરીની ‘જમાઈ રાજા’ પણ રિમેક બનશે
મુંબઈઃ તાજેતરમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી હોલિવૂડની રિમેકથી લઈને ‘વિક્રમ વેધા’ જેવી સાઉથની રિમેક બૉલીવુડમાં પણ નિષ્ફળ ગઈ છે. જોકે, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જમાઈ રાજાની રિમેકની જાહેરાત કરવામાં આવી છે.હિન્દી ફિલ્મમાં હેમા માલિનીએ સાસુનો રોલ કર્યો હતો.
તે જમાઈ અને નિરંકુશ સાસુ વચ્ચેની લડાઈની વાર્તા હતી.રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મ તેની અગાઉની તેલુગુ ફિલ્મ ‘અટ્ટાકુ યુમુડુ અમ્માયીકી મોગુડુ’ની પણ રિમેક હતી. આ ફિલ્મ એક સામાજિક વાર્તા હોવાથી, તે જ વર્ષે તેને તમિલમાં ‘મેપ્પીલાઈ’ તરીકે રિમેક કરવામાં આવી હતી. તમિલ ફિલ્મમાં રજનીકાંત જેવા ટોચના સ્ટાર્સ હતા. જોગાનુજોગ, બીજી વખત ફિલ્મ તમિલમાં બની ત્યારે રજનીકાંતના જમાઈ ધનુષે ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ પર વર્ષ 2000માં બંગાળી ફિલ્મ ‘સસુરાબાદી ઝિંદાબાદ’ પણ બની હતી. હવે નિર્માતાઓ દાવો કરે છે કે આ ફિલ્મની વાર્તા આજના સમયમાં પણ પ્રાસંગિક છે પરંતુ તેને નવા યુગના આધુનિક સંદર્ભો અનુસાર અપનાવવાની જરૂર છે. જેથી ફિલ્મની આધુનિક સ્ક્રિપ્ટ લખવામાં આવશે. ફિલ્મની કાસ્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.