ગુજરાત

ગૃહમંત્રી શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે કેફી પદાર્થોના દૂષણને નાબૂદ કરવા અને દેશના યુવાનોને આ દૂષણથી બચાવવા અસરકારક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ પદે સાંજે ગાંધીનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પશ્ચિમ રિજિયનની બેઠક મળી હતી. તેમાં નશીલી દવાઓ અને કેફી પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ વખતે નષ્ટ કરવા માટે જપ્ત કરાયેલી દવાઓનો જથ્થો આશરે 12 હજાર 500 કિલોગ્રામ જેટલો છે. સમગ્ર ગુજરાતમાં કેફી પદાર્થોને નાશ કરવાના ખાસ કાર્યક્રમોને ઓનલાઈન માધ્યમથી સંબોધતા ગૃહમંત્રીએ કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, કેન્દ્રની NDA સરકારે કેફી પદાર્થોનું વેચાણ અને હેરફેરમાં સંડોવાયેલા કસૂરવારો સામે છેલ્લા 8 વર્ષમાં ત્રણ હજાર, 172 કેસ દાખલ કર્યા છે.NCBએ કેફી પદાર્થોનો આશરે એક લાખ 33 હજાર કિલો જથ્થો પકડ્યો છે, જેની કિંમત આશરે વીસ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.તેમણે કેફી પદાર્થોના દૂષણને અસરકારક રીતે ડામવા સરહદપારથી કરાતી આવા પદાર્થોની હેરફેર ઉપર અસરકારક રીતે નિયંત્રણ મૂકવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે દેશમાં દરિયાઈ માર્ગે કરાતી દાણચોરી રોકવા કડક પગલાં લેવા, જમીન પરના સરહદી વિસ્તારોમાં સતર્કતા વધારવા NCB તથા પોલીસોને સૂચના આપી હતી.

તેમણે દેશમાં કેફી પદાર્થોની વધતી બદીને રોકવા જિલ્લા સ્તરીય અમલીકરણ સમિતિઓ સક્રિય કરવા તથા કેફી પદાર્થો સામેની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને વધુ તાલીમ આપવા ઉપર પણ ભાર મૂક્યો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પકડાયેલા કેફી પદાર્થોના જથ્થાનો નાશ કરવાના કાર્યક્રમો રાજ્યમાં યોજાયા હતા અને શ્રી અમીત શાહે ગાંધીનગરથી ઓનલાઈન માધ્યમથી આ કાર્યવાહી નીહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x