ચૂંટણી પહેલા કર્મચારીઓએ તીખા તેવર બતાવી આંદોલનનુ રણશિંગુ ફૂંક્યુ
Gandhinagar
સરકાર દ્વારા કર્મચારીઓ સામે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. કર્મચારીઓ સરકારના કાર્યક્રમોને સફળ બનાવવામાં પાયાની ભૂમિકા અદા કરતા હોવા છતા તેમની માંગણીઓ સંતોષવામાં આવતી નથી. ત્યારે બુધવારે બપોરે જૂના સચિવાલય કેન્ટીન પાસે મોટી સંખ્યામાં એકઠા થઇને સરકાર સામે નારાજગી બતાવી હતી અને સુત્રોચ્ચાર પોકાર્યા હતા. જ્યારે સુત્રોચ્ચાર બાદ તીખા તેવર બતાવતા સભા કરવામાં આવી હતી. જેમાં વિવિધ રણનીતિ તૈયાર કરી હતી. લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કર્મચારીઓ સરકાર સામે આવી ગયા છે.
કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ સહિતના મંડળો બુધવારે એક થયા હતા અને સરકારમાં પોતાની પડતર માંગણીઓ ઉપર અવાજ બુલંદ કર્યો હતો. મોટી સંખ્યામાં જૂના સચિવાલય જીવરાજ મહેતા ભવનમાં આવેલા ઉપહાર ગૃહમાં એકઠા થયા હતા. જેમાં બગીચામાં સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારી એકતા ઝીંદાબાદના નારા લાગ્યા હતા. કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુભાઇ પટેલે કહ્યુ કે સરકારની દાનત કર્મચારીઓના પગાર ભથ્થા સહિત ટીએ ડીએ આપવામાં ખારી જોવા મળી છે.