અરવલ્લીઃવિકાસના કામો ખોરંભે ચઢતાં આકરૂન્દ ગામના નાગરિકોએ વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી…
“એક તરફ તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઘણા ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે, ત્યારે વિકાસના કામો ખોરંભે ચઢતાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં મોખરાનું સ્થાન ધરાવતા આકરૂન્દ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે “…
વધુ પ્રાપ્ત માહિતી મુજબ ‘સાંસદ આદર્શ યોજના’ અંતર્ગત સમાવેશ કરવામાં આવેલી અંદાજે ૭૦૦૦ ની વસ્તી ધરાવતા ધનસુરા તાલુકાની આકરૂન્દ ગ્રામ પંચાયતના વિકાસના મંજૂર થયેલા કામો જેમાં મુખ્યત્વે ૩ સપ્ટેમ્બરના રોજ આરોગ્ય અધિકારી દ્વારા પજેશન લેવા છતાં આજ દિન સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું નથી, જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવેલા નવાનગર થી આકરૂન્દ રોડનું કામ ખોરંભે ચઢેલું છે તેમજ મુખ્યમંત્રી દ્વારા ૧ લી ઓગષ્ટના રોજ ખાત મુહુર્ત કરવામાં આવેલા ગ્રામ પંચાયતના મકાનનું કામ પણ ખોરંભે ચઢતાં ગ્રામજનો દ્વારા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર ( અરવલ્લી જિલ્લા પંચાયત ) તેમજ ચૂંટણી કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે…