અરવલ્લીમાં DAP અને NPK ખાતર માટે ખેડૂતોની રઝળપાટ
ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે વધુ1800 મેટ્રિક ટનની માગ કરાઇ
અરવલ્લી જિલ્લામાં રવિ પાકની વાવણીની સિઝન શરૂ થતાં જ પાયાના ખાતર તરીકે ઓળખાતા ડીએપી અને એનપીકે 12 32 16 ની અછત ઉભી થતાં ખેડૂતોની રઝળપાટ વધી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પાંચ થેલી ની માગણી સામે માંડ માંડ ખેડૂતોને માત્ર એક થેલી ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે સાથે સાથે લે ભાગુ વેપારીઓ ખેડૂતોને અન્ય રાસાયણિક ચીજ વસ્તુઓ પધરાવતા હોવાની બૂમ ઉઠી છે. આ અંગે જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી આર.એસ.પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં ગત સપ્તાહે 1100 મેટ્રિક ટન ખાતર આવ્યું હતું અને વધુ એનપીકે અને ડીએપી 950 મેટ્રિક ટન રેન્ક ઉપર આવી ગયું હોવાનું જણાવ્યું હતું.
જિલ્લામાં રવિ પાકની સિઝન દરમિયાન સવા લાખ હેક્ટર કરતા વધુમાં બટાકા રાયડો ઘઉં અને મકાઈ તેમજ ચણાની વાવણીનોઅંદાજ આકાઈ રહ્યો છે. જિલ્લામાં રવિ પાકની સિઝન દરમિયાન પાયા ખાતર માટે શરૂઆતમાં છ થી સાત હજાર મેટ્રિક ટન ખાતર ની જરૂરિયાત સામે 1100 મેટ્રીટન ડીએપી અને આવ્યું હોવાનું ખેતી વિભાગના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જિલ્લા નાયબ ખેતીવાડી અધિકારી આર એસ પટેલ નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં 700 મેટ્રિક ટન એનપીકે અને 250 મેટ્રિક ટન ડીએપી બે દિવસમાં પહોંચી જશે અને વધુ માં ડીએપી અને એનપીકે 1800 ટન ખાતરની માંગણી કરાઈ છે તદુપરાંત જીએસએફસી માંથી પણ 700 મેટ્રિક ખાતરની માગણી કરાઈ છે.