વાત ભિલોડા વિધાનસભાની સીટની: આ વખતે ચૂંટણીમાં કોણ પડશે ભારે ? જાણો
– ભિલોડાની બેઠક પર કોંગ્રેસનો રહ્યો છે દબદબો
– પાંચ વખત ધારાસભ્ય રહેલા ડૉ.અનિલ જોશીયારાના નિધન બાદ તેમનો પુત્ર ભાજપમાં જોડાયો
– ભિલોડા વિસ્તારમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ
ભારતના ચૂંટણી પંચ એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે ભિલોડા વિધાનસભાના લેખાજોખા વાત.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. તેની વચ્ચે અમે તમને બતાવીશું અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠકનું રાજકીય સમીકરણ. ભાજપ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહ્યું છે. પરંતુ કેટલીક એવી બેઠકો છે જેના પર ભાજપને જીત મેળવવી ઘણી મુશ્કેલ બની છે. આ બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. આવી જ એક બેઠક છે અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક. જ્યાં હજુ પણ કોંગ્રેસનો ઝંડો લહેરાઈ રહ્યો છે.
ભિલોડા બેઠક પર કુલ 3 લાખ 9 હજાર 982 મતદારો છે. જેમાં 1 લાખ 57 હજાર 229 પુરુષ, 1 લાખ 52 હજાર 738 મહિલા મતદારો અને 15 અન્ય મતદારો છે. જ્યાં સુધી જાતિગત સમીકરણની વાત આવે છે તો ભિલોડા મેઘરજ તાલુકામાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધારે છે. આ સીટ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ સીટ પર આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. જો કે તે તો 8 ડિસેમ્બરે જાહેર થનારી મતગણતરી બાદ સામે આવશે. કેમ કે કોંગ્રેસના સિનિયર નેતા અને 5 વખતના ધારાસભ્ય અનિલ જોશીયારાનું નિધન થયું. જ્યારે તેમના પુત્ર કેવલ જોશીયારા 1500 સમર્થકોની સાથે ભાજપમાં જોડાઈ ગયા. જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ છે. 2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ડૉ.અનિલ જોશીયારાએ ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાને 12,417 મતથી પરાજય આપ્યો હતો. ભિલોડા વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ નથી. આથી યુવાઓ સામે સૌથી મોટી રોજગારની સમસ્યા છે. ભિલોડા વિસ્તારમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો અભાવ છે. જેને લઈને લોકો અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે. સારી હોસ્પિટલ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસના મામલામાં સરકાર પછાત છે. જિલ્લાની વહેંચણી પછી હજુ સુધી વિસ્તારના લોકોને હોસ્પિટલ મળી શકી નથી. આ વખતે ત્રિપાખિયો જંગ હોય ક્યાંક ને ક્યાંક ભાજપ ને ફાયદો કરાવી જાય તો નવાઈ નહિ કૈવલ જોશીયાર પણ ભાજપ માં જોડાઈ ગયા છે ત્યારે ભાજપ મેદાન મારી જાય તેવા એંધાન દેખાઈ રહ્યા છે