પાટનગરમાં ચ-૬ સર્કલે બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ, 10 બાળકો ઈજાગ્રસ્ત, 1 ગંભીર
ગાંધીનગર થી મળી રહેલી જાણકારી અનુસાર એક સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો છે જેમાં બાળકો સવાર હતા. ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજે સવારના ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં 10 બાળકોને ઈજાઓ થઈ છે. એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાની માહિતી સૂત્રો તરફથી મળી છે. વહેલી સવારના સમયે બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. અકસ્માતના પગલે રાહદારીઓ દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતા તેઓના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.