મનમોહન સરકાર કરતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ભડકે બળી રહયા છે ? જાણો હકીકત
Delhi
સમગ્ર દેશમાં આજે બે જ મુદ્દા મુખ્યત્વે ચર્ચામાં રહ્યા છે (૦૧) ગગડતો રૂપિયો અને (૦૨) આસમાને પહોંચી રહેલા પેટ્રોલ/ડીઝલના ભાવો. ત્યારે સત્ય હકીકત એ સ્વીકારવી પડે કે,ભારત ૮૦% ક્રુડ ઓઈલ વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે, તેને ધ્યાનમાં લઈને આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ક્રુડ ઓઈલ અને ડોલરનો ભાવ
યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં મે ૨૦૦૪માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૩૬.૫૮ યુએસ $ હતો તે વધીને મે ૨૦૦૯માં ૬૫.૫૨ યુએસ $ થયો એટલે કે યુપીએ વનના સમયગાળામાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૭૯% વધ્યો. યુપીએ વનના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૩૯.૮૩ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૩૪.૫૦ યુએસ $ હતો.
૨૦૦૪-૨૦૦૯ના સમયગાળામાં મે ૨૦૦૪માં યુએસ $નો ભાવ ૪૫.૪૮ રૂપિયા હતો તે મે ૨૦૦૯માં વધીને ૪૭.૧૨ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૦૪% ગગડી ગયો હતો. ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે.
યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં મે ૨૦૦૯માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૬૫.૫૨ યુએસ $ હતો તે વધીને મે ૨૦૧૪માં ૧૦૯.૪૧ યુએસ $ થયો એટલે કે યુપીએ ટુના સમયગાળામાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૬૭% વધ્યો. યુપીએ ટુના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૨૫.૮૯ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૬૫.૫૨ યુએસ $ હતો.
૨૦૦૯-૨૦૧૪ના સમયગાળામાં મે ૨૦૦૯માં યુએસ $નો ભાવ ૪૭.૧૨ રૂપિયા હતો તે મે ૨૦૧૪માં વધીને ૫૯.૧૯ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૨૬% ગગડી ગયો હતો. એ તો સ્વાભાવિક જ છે કે ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે.
મોદી (૨૦૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮) માં મે ૨૦૧૪માં બ્રન્ટ ક્રુડનો ભાવ ૧૦૯.૪૧ યુએસ $ હતો તે ઘટીને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮માં ૭૯.૯૩ યુએસ $ થયો એટલે કે મોદીના સત્તાકાળમાં બ્રન્ટ ક્રુડનો ભાવ ૨૭% ઘટ્યો. મોદીના સમયગાળામાં હાઈએસ્ટ ભાવ ૧૧૨.૩૬ યુએસ $ થયો હતો અને ઓછામાં ઓછો ભાવ ૩૪.૭૪ યુએસ $ હતો.
૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮ના સમયગાળામાં મે ૨૦૧૪માં યુએસ $નો ભાવ ૫૯.૧૯ રૂપિયા હતો તે ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮માં વધીને ૭૨.૭૬ યુએસ $ થયો એટલે કે ભારતીય રૂપિયો ૨૩% ગગડી ગયો હતો. ભારતીય રૂપિયો ગગડી જાય એટલે ક્રુડની આયાતમાં વધારે રૂપિયા ચૂકવવા પડે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે પછી ગમે તે સરકાર હોય.
ક્રુડની આયાત અને તેની ચુકવણી
યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં કુલ ૫૬.૧૨ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી અને તે પેટે ૨૫,૮૦૨ કરોડ યુએસ $ ચુકવવામાં આવ્યા.
યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં કુલ ૮૬.૮૬ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી (યુપીએ વન કરતા ૫૫% વધારે) અને તે પેટે ૬૦,૬૫૮ કરોડ યુએસ $ (યુપીએ વન કરતાં ૧૩૫% વધારે) ચુકવવામાં આવ્યા. એટલે કે ૬૭% બ્રન્ટ ક્રુડનો ભાવ વધ્યો અને ડોલર સામે રૂપિયો ૨૬% ગગડી ગયો હોવાથી ૧૩૫% વધારે રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું.
મોદી (૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)માં કુલ ૮૨.૬૭ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી તેને બાકીના મહિનાની સરેરાશ ક્રુડની આયાત ઉમેરી દઈએ તો કુલ ૧૦૫.૬૭ કરોડ મેટ્રિક ટન ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવી (યુપીએ ટુ કરતા ૨૨% વધારે) અને તે પેટે ૩૩,૪૬૯ કરોડ યુએસ $ અને તેમાં બાકીના સમયનું પેમેન્ટ હાલના ભાવે ઉમેરી દઈએ તો તે ૪૨,૯૬૯ કરોડ યુએસ $ (યુપીએ વન કરતાં ૨૯% ઓછા) ચુકવવામાં આવ્યા છે અને બાકીના ચુકવાશે. એટલે કે ૨૭% બ્રન્ટ ક્રુડનો ભાવ ઘટ્યો અને ડોલર સામે રૂપિયો ૨૩% ગગડી ગયો હોવા છતાં ૨૯% ઓછી રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું.
હવે અહીં પ્રશ્ન થશે કે યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯) અને યુપીએ ટુ (૨૦૦૯-૨૦૦૧૪) કરતાં મોદી (૨૦૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)ના સત્તાકાળમાં ૨૭% બ્રન્ટ ક્રુડનો ભાવ ઘટ્યો અને ડોલર સામે રૂપિયો ૨૩% ગગડી ગયો હોવા છતાં ૨૯% ઓછી રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું. તો પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કેવી રીતે થયો? તે માટે આપણે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એલપીજીમાં ભારત સરકાર દ્વારા અપાતી સબસીડી વિષે જાણીએ કે જેથી ભાવ વધારા પાછળનો તર્ક સમજી શકાય
પેટ્રોલ અને ડીઝલ ઉપર સબસીડી
યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં પેટ્રોલ ઉપર ભારત સરકાર સબસીડી આપતી હતી તે રકમ ૧૯,૦૦૮ કરોડ રૂપિયા હતી અને ડીઝલ ઉપર તે ૧,૩૦,૫૨૪ કરોડ રૂપિયા હતી. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એલપીજી થઈને કુલ ૩,૦૨,૬૪૪ કરોડ રૂપિયાની સબસીડી ૨૦૦૪-૨૦૦૯ના સમયગાળા દરમિયાન ભારત સરકારે ચૂકવી હતી.
યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં પેટ્રોલ ઉપર ભારત સરકાર સબસીડી આપતી હતી તે રકમ માત્ર ૦૭,૩૭૮ કરોડ રૂપિયા જ હતી કારણ કે ભારત સરકારે એટલે કે મનમોહનસિંહની સરકારે ૨૫ જુન ૨૦૧૦થી પેટ્રોલ ઉપરની સબસીડી દૂર કરી દીધી હતી. ડીઝલ ઉપર આ સમયગાળામાં સબસીડી ૨,૮૦,૦૭૫ કરોડ રૂપિયા હતી. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એલપીજી થઈને કુલ ૫,૬૭,૫૪૯ કરોડ રૂપિયાની સબસીડી ૨૦૦૯-૨૦૧૪ના સમયગાળા દરમિયાન ભારત સરકારે ચૂકવી હતી જે રકમ પેટ્રોલ ઉપરની સબસીડી નાબુદ કરવા છતાં યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯) કરતા ૮૮% વધારે હતી.
મોદી (૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)ના સમયગાળામાં ૧૮ ઓક્ટોબર, ૨૦૧૪થી ડીઝલ ઉપરની સબસીડી રદ કરી દીધી. એટલે ડીઝલ ઉપર આ સમયગાળામાં સબસીડી માત્ર ૧૦,૯૩૫ કરોડ રૂપિયા આપવામાં આવી હતી. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને એલપીજી થઈને કુલ ૧,૫૪,૮૩૧ કરોડ રૂપિયાની સબસીડી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી ચૂકવી છે અને તેને મે ૨૦૧૯ સુધીની સરેરાશ રકમ ઉમેરીએ તો તે રકમ ૧,૮૨,૮૩૧ કરોડ થાય. ૨૦૧૪-૨૦૧૮ના સમયગાળા દરમિયાન મોદી સરકારે જે કુલ સબસીડી ચૂકવી છે અને બાકી રહેલ ચુકવશે તે યુપીએ ટુ (૨૦૦૪-૨૦૦૯) કરતા ૬૮% ઓછી હશે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ઉપરથી સબસીડી બિલકુલ રદ કરવામાં આવી અને તેની સામે કેરોસીન ઉપર થોડાઘણા અંશે સબસીડી આપવામાં આવી રહી છે અને એલપીજી ઉપર ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી આડકતરી રીતે સબસીડી ચૂકવાઈ રહી છે પરંતુ તેનું વાર્ષિક પ્રમાણ ૨૮,૦૦૦ કરોડથી વધારે નથી.
પેટ્રોલ ડીઝલના ભાવ
યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં મે ૨૦૦૪માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૩૫.૭૧ હતો અને મે ૨૦૦૯માં તે વધીને ૪૪.૬૩ થઈ ગયો હતો. તે જ મહિનામાં દિલ્હીમાં ડીઝલનો ભાવ ૨૨.૭૪ હતો તે વધીને મે ૨૦૦૯માં ૩૨.૮૭ થઈ ગયો. યુપીએ વન દરમિયાન ૨૫% ભાવ વધારો પેટ્રોલમાં થયો અને ૪૫% ભાવ વધારો ડીઝલમાં થયો.
યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં મે ૨૦૦૯માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૪૪.૬૩ હતો અને મે ૨૦૦૯માં તે વધીને ૭૧.૫૧ થઈ ગયો હતો. તે જ મહિનામાં દિલ્હીમાં ડીઝલનો ભાવ ૩૨.૮૭ હતો તે વધીને મે ૨૦૧૪માં ૫૭.૨૮ થઈ ગયો. યુપીએ ટુ દરમિયાન પેટ્રોલ ઉપરની સબસીડી નાબુદ કર્યા પછી ૬૦% ભાવ વધારો પેટ્રોલમાં થયો અને ૭૪% ભાવ વધારો ડીઝલમાં થયો.
મોદી (૨૦૧૪-સપ્ટેમ્બર ૨૦૧૮)માં મે ૨૦૧૪માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૧.૫૧ હતો અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તે વધીને ૮૦.૮૭ થઈ ગયો હતો. તે જ મહિનામાં દિલ્હીમાં ડીઝલનો ભાવ ૫૭.૨૮ હતો તે વધીને ૧૨ સપ્ટેમ્બરના રોજ ૭૨.૯૭ થઈ ગયો હતો. મોદીના સત્તાકાળમાં આજની તારીખ સુધી ૧૩% ભાવ વધારો પેટ્રોલમાં થયો અને ડીઝલ ઉપરની સબસીડી નાબુદ કરવા છતાં ૨૭% ભાવ વધારો ડીઝલમાં થયો.
યુપીએ વનમાં…(૨૦૦૪-૨૦૦૯)
પેટ્રોલમાં ૨૫% અને ડીઝલમાં ૪૫% ભાવ વધ્યા.
યુપીએ ટુમાં…(૨૦૦૯-૨૦૧૪)
૬૭% બ્રન્ટ ક્રુડનો ભાવ વધ્યો અને ડોલર સામે રૂપિયો ૨૬% ગગડી ગયો હોવાથી ૧૩૫% વધારે રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું. પેટ્રોલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૬૦% અને ડીઝલમાં ૭૪% ભાવ વધ્યા.
મોદી સરકારમાં…(૨૦૧૪-૨૦૧૮)
આજની તારીખ સુધીમાં ૨૭% બ્રન્ટ ક્રુડનો ભાવ ઘટ્યો અને ડોલર સામે રૂપિયો ૨૩% ગગડી ગયો હોવા છતાં ૨૯% ઓછી રકમનું પેમેન્ટ ક્રુડની આયાત પેટે કરવું પડ્યું. પેટ્રોલમાં ૧૩% અને ડીઝલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૪૫% ભાવ વધ્યા.