વિજય રૂપાણીનું રાજીનામું? ફરી એક વખત અફવાઓનું બજાર ગરમ
ગાંધીનગર:
વિજય રૂપાણીનું રાજીનામા અંગે ફરી એક વખત અફવાઓનું બજાર ગરમ છે. અફવા ફેલાઈ રહી છે કે ગુજરાતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, આ વાતમાં કોઈ જ તથ્ય નથી. મંઝિલ ન્યુઝ આ વાતને અફવા જ ગણે છે. અમે આ વાતને બિલકુલ અનુમોદન આપતા નથી.
છેલ્લા ઘણા વખતથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોઈને કોઈ કારણ આગળ ધરીને તેમણે રાજીનામું આપ્યાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તેમના વિરોધીઓ અને પક્ષની અંદર જ રહેલા તેમના હરીફો જાહેરમાં નહીં તો ખાનગીમાં તેમની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમનો આડકતરો ઈશારો એવો રહે છે કે તેઓ રાજીનામું આપી દે. આ માટે જ કદાચ સમયાંતરે તેમના રાજીનામાની અફવાઓ ઉડતી રહે છે.
રાજકીય વર્તુળો એવું પણ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે શરૂઆતથી જ ખટરાગ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે નીતિન પટેલ ભૂતકાળમાં ખુલ્લીને પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. જોકે, અંતે બીજેપીના ‘મોટા’ નેતાઓની દખલ બાદ આ મામલો ઠંડો પડ્યો હતો અને નીતિન પટેલ ફરીથી કામે વળગી ગયા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતિના બેનર હેઠળ પાટીદારોને અનામત મળે તે માટે લડત લડી રહેલો હાર્દિક પટેલ પણ ભૂતકાળમાં કહી ચુક્યો છે કે, વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ મામલે સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી. જોકે, હાર્દિકના દાવામાં કોઈ જ તથ્ય ન હતું. થોડા સમય પહેલા જ હાર્દિકે એક જાહેર સભામાં કહ્યુ હતુ કે, રૂપાણીએ મારો આભાર માનવો જોઈએ. મારા કારણે તેમની ખુરશી બચી ગઈ છે.
સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન બાદ ફરી એક વખત સરકારની અંદર કોઈને કોઈ ખટરાગ ચાલી રહ્યો છે. આજે ફરીથી રૂપાણીનાં રાજીનામાની વાત ટીવી માધ્યમોના લોગો સાથે ફેક ફોટો બનાવીને વહેતી કરવામાં આવી છે. આ માધ્યમો પણ આ વાતોનું ખંડન કરી રહ્યા છે. તેમનું પણ કહેવું છે કે કોઈકે અમારા નામે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.