શું ખરેખર ખાનગી શાળાઓમાં નવરાત્રિ વેકેશન રદ કરાયું ?
ગાંધીનગર :
નવરાત્રિ ને આડે ગણતરીના જ દિવસો બાકી રહયા છે,ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા નવરાત્રિ વેકેશન ને લઇ પરિપત્ર જાહેર કરાયો છે,જેમા 10 થી 17 ઓક્ટોબર દરમ્યાન કુલ 8 દીવસ ના નવરાત્રિ વેકેશન ની જાહેરાત કરાઈ છે,તો બીજી બાજુ આ વેકેશન માંથી ખાનગી શાળાઓને આ વેકેશન માંથી મુક્તિ મળી ગઇ હોય એમ સુરત જેવા શહેરી વિસ્તારોમાં ખાનગી શાળા સંચાલકો એ નવરાત્રિ દરમ્યાન પણ શાળાઓ ચાલુ રાખવાનો અડગ નિર્ણય જાહેર કર્યો છે.
આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા એ જણાવ્યું કે નવરાત્રિ વેકેશન ફરજીયાત છે, ત્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવ્યુ કે કેટલીક સુરત સહીતની ખાનગી શાળાઓ એ તો સરકારના નિર્ણયની પરવા કર્યા વિના શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે તો આ અંગે શિક્ષણ મંત્રીએ જવાબ આપવાનું ટાળી માત્ર તપાસ કરાવી લઈશું એવું આશ્વાસન આપી એ વાતનો સંકેત આપી દીધો છે કે ખાનગી શાળાઓને વેકેશન માંથી જાણે મુક્તિ હોય !!!
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષથી બદલાયેલ અભ્યાસક્રમ ખૂબ જ લાંબો હોઇ વિજ્ઞાન પ્રવાહ અને SSC ના વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ જો ઝડપી પુર્ણ થાય તો વિદ્યાર્થીઓ ને પુનરાવર્તન માટે યોગ્ય સમય મળી શકે, તે હેતુથી મોટા ભાગના વાલીઓ દ્રારા પણ ખાનગી શાળાઓને નવરાત્રિ વેકેશન નહીં આપવાની લેખિત રજૂઆતો કરી હોવાનું ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતુ.
ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે શિક્ષણ પ્રાણપ્રશ્ન રહ્યો છે ત્યારે સમય અગાઉ રૂપાણી સરકારના રાજય કક્ષાના મહિલા શિક્ષણ મંત્રીએ નવરાત્રિ દરમ્યાન શાળાઓમાં પણ નવરાત્રિ વેકેશન જાહેરાત કરીને શિક્ષણ જગતમાં ભૂકંપ સર્જી દીધો હતો. ત્યારે હવે જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ વેકેશન મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણો વધી રહી છે.