ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તાપમાન ગગડશે
સામાન્ય રીતે હાડ થીજાવી દેનારો ડિસેમ્બરનો મહિનો હજુ સુધી એટલો ઠંડો રહ્યો નથી. હવામાન વિભાગની માનીએ તો હવે કડકડતી ઠંડી માટે લોકોએ તૈયાર થઈ જવાનું છે. આગાહી પ્રમાણે ટૂંક સમયમાં જ હવામાન યુ-ટર્ન લેશે. કાલ રાતથી બર્ફીલી હવાઓ ફૂંકાવાનું શરૂ થઈ જશે અને તાપમાન ઝડપથી ગગડવા લાગશે.
અત્યારે સવાર-સાંજ ફૂંકાઈ રહેલી ઠંડી બે-ત્રણ દિવસમાં પોતાનું વલણ બદલાવશે. હવામાન વિભાગનું અનુમાન છે કે કાલથી ઉત્તર-પશ્ચિમી બર્ફીલી હવાઓ ફૂંકાશે. આ સપ્તાહે પહાડો પર પશ્ચિમી વિક્ષોભ ઓછું થવાથી હવામાન યૂ-ટર્ન લેશે અને ન્યુનત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો આવશે મતલબ કે ઠંડીમાં આપોઆપ વધારો થવાનો છે.
હવામાનની ચાલ ઉપર પશ્ચિમી વિક્ષોભની ખૂબ જ અસર પડતી હોય છે. દિલ્હી-એનસીઆરમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર ઠંડીમાં વધારો કરશે. પહાડો પર બરફ વધુ પહશે તો મેદાની વિસ્તારોમાં વરસાદના પણ અણસાર છે. પશ્ચિમી વિક્ષોભને કારણે ઠંડીની મોસમ આવે છે. પશ્ચિમી વિક્ષોભની શરૂઆત મેડિટેરેનિયનથી જ થાય છે. ખાડી દેશોમાંથી પસાર થઈને તે અફઘાનિસ્તાન, પાકિસ્તાન સુધી જાય છે અને ત્યારપછી ભારતનો રસ્તો પકડે છે.
આ જ કારણથી સૌથી પહેલાં કાશ્મીરનું વાતાવરણ પલટાય છે અને ત્યારબાદ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોનો વારો આવે છે. પહાડો ઉપર ખૂબ જ બરફવર્ષા થાય છે અને ઝડપી હવાઓ ફૂંકાવા લાગે છે જે મેદાની વિસ્તારો સુધી પહોંચે છે. બદલાઈ રહેલા હવામાનની અસર દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, ગુજરાત અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં જાવા મળશે અને અહીં બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી નીચે જઈ શકે છે. એકંદરે ડિસેમ્બરના અંતમાં લોકોએ આકરી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.