કોવિડને ધ્યાને રાખીને સરકારે BAPS આયોજિત શતાબ્દી મહોત્સવ સ્થગિત કરવો જોઈએ
વિશ્વભરમાં કોવિડ-૧૯એ ફરીથી ઉથલો માર્યો છે. ભારતમાં આ મહામારી સામે સતર્કતાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત દેશભરની સરકારોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ સંજોગોમાં ગુજરાતમાં બોચાસણવાસી અક્ષર પુરસોત્તમ સંસ્થાન- BAPSએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને જનહિતમાં સ્વંયભૂ સ્થગિત કરવો જોઈએ. સોસિયલ મિડિયાના પ્લેટફોર્મ પર આ પ્રકારની માંગણીઓ ઉઠી રહી છે. અમદાવાદ ખાતે ૧૫મી ડિસેમ્બરથી BAPS દ્વારા શતાબ્દી મહોત્સવ શરૂ થયો છે. એક મહિનો ચાલનારા આ ઉત્સવમાં રોજેરોજના એક લાખથી વધુ નાગરીકો એકત્ર થઈ રહ્યા છે. તેમાંય જેમ જેમ ડિસેમ્બરનું વેકશન નજીક આવી રહ્યું છે તેમ તેમ વિદેશોમાંથી પ્રવાસીઓ અને NRIનું પ્રમાણ વધી રહ્યુ છે. દરમિયાન બુધવારે મોડી રાતે રાજ્યના આરોગ્ય કમિશનરેટમાં અધિક નિયામક ડો.નિલમ પટેલે તમામ જિલ્લા અને મહાનગરોના આરોગ્ય અધિકારીઓ પત્ર લખ્યો છે. જેમાં જાપાન, કોરિયા, અમેરિકા, બ્રાઝિલ અને ચીનમાં કોવિડ-૧૯ના કેસોમા અચાનક થયેલા વધારાને ધ્યાને લઈને ગુજરાતમા પણ આ મહામારીના કેસો વધે નહી તેના માટે રોગચાળો અટકાવવા કાર્યવાહી કરવા કહ્યુ છે. અહીં અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડ ઉપર ઊભા કરવામા આવેલા પ્રમુખ સ્વામિ નગરમાં રોજે રોજે દેશ- વિદેશમાંથી મુલાકાતીઓ આવી રહ્યા છે. જ્યાં વ્યવસ્થા સંચાલન માટે પહેલાથી જ સેંકડો સ્વંય સેવકો કાર્યરત છે. આ સ્થિતિમાં રખેને કોઈ ચેપગ્રસ્ત મૂલાકાતી મારફતે દિવસ રાત વ્યવસ્થા સંચાલનમાં રહેલા કોઈક સ્વયં સેવક કોરોનાગ્રસ્ત થાય અને ચેપ વકરવાની નોબત આવે તે પૂર્વે જ BAPS દ્વારા જનહિતમાં મહોત્સવ સ્થગિત રાખવાનો નિર્ણય થાય તે વિશાળ જનહિતમાં અનિવાર્ય હોવાનું જાણકારોનું કહેવુ છે. માત્ર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જ નહિ પરંતુ. અમદાવાદ શહેરમાં ૨૫ ડિસેમ્બરથી શરૂ થનારા કાંકરીયા ફેસ્ટિવલ અને રિવરફ્રન્ટ પરના ફ્લાવર શોનું આયોજન પણ રદ કરવુ જોઈએ. આ માંગણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કરી ચૂક્યા છે.