શાળાઓમાં યોજાતા કાર્યક્રમોમાં ભારતીય સંસ્કૃતિના વારસાનું સન્માન જાળવવા તાકીદ
તાજેતરમાં બોલીવુડની હજુ રીલીઝ પણ નહીં થયેલી ફીલ્મ પઠાણના ગીતને લઇને સોશિયલ મિડીયામાં ભારે તણાવની સ્થિતિ ઉભી કરવામાં આવી છે. શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા દ્વારા પણ તેની સામે વિરોધ વ્યક્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવેલી છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ પર સમયસર લગામ કસવાની વાત હવે અનિવાર્ય બની ચૂકી છે. શાળાકીય કાર્યક્રમોમાં ઐતિહાસિક પ્રસંગોની ઝલક દર્શાવવામાં આવતી હોય છે. તેવી જ ચર્ચાસ્પદ કિસ્સાઓ અને ફિલ્મી ગીતો કે તેની કથાઓ પણ ઘણીવાર સાહજીક રીતે તેનો ભાગ બની જતી હોય છે. જેના પરિણામે તણાવની સ્થિતિ ઉભી થઇ શકે છે.
જાહેર હિતને નુકશાન કરતી આવી બાબતો બાળ માનસ પર વધુ નકારાત્મક અને માઠી અસરો ઉભી કરતી હોય છે. ત્યારે શાળા કક્ષાએથી જ આ વાતને લઇને જાગૃતિ દાખવવામાં આવે તો સારા પરિણામ મળી શકે તેમ હોવાથી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સરકારી, અનુદાનિત અને ખાનગી એવી પ્રાથમિક, માધ્યમિક અને ચત્તર માધ્યમિક શાળાઓના આચાયીને સુચના પાઠવીને જણાવાયું છે, કે શાળાઓના કાર્યક્રમોમાં ભારતીય સંસ્કૃતિનું અને ગૌરવપૂર્ણ વારસાનું જતન થાય અને સન્માન જળવાય તેની જવાબદારી શાળાના વહીવટી તંત્રની છે. પરિણામે તેને ઠેંસ પહોંચે તેવીબાબતો નાટ્ય, વક્તવ્ય, ગીત, અભિનય કે ગરબામાં દશ્ય કે શ્રાવ્ય સ્વરૂપે સ્થાન ન પામે તેની ખાતરી કાર્યક્રમ પૂર્વે જ કરવાની રહેશે.