મોદી સરકારે નોટ બંધીથી ભારતીય અર્થતંત્રની નસબંધી કરી દીધી : પ્રવિણ તોગડીયા
ગાંધીનગર :
દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લેવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે પૂરું થતાં તેમણે વિશાળ રેલી કાઢી હતી.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો.પ્રવીણ તોગડિયાએ પોતાનો જન્મ દિવસ દહેગામના કેટલાંક ખેડૂતો વચ્ચે ઉજવેલો ત્યારે ખેડૂતોએ તેમની વેદના કહી હતી કે, તેમને દૂધમાં અને નર્મદાના નહેરમાંથી પાણી આપવામાં અન્યાય થઈ રહ્યો છે. નીતિન પટેલે તળાવો ભરવા માટે ખાતરી આપી હતી છતાં આજે 36 તળાવો ખાલી છે અને તેથી બટાકા, એરંડી, શાકભાજી જેવા 28 પ્રકારના પાક સુકાઈ રહ્યાં છે. સરકારની ભૂલના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેથી તેમણે ખેડૂતો માટે ન્યાય આપવા માટે નક્કી કર્યું હતું.
ડો.તોગડિયાએ ખેડૂત દેવા મુક્ત થાય તેવું દેશવ્યાપી આંદોલન થાય તે જરૂરી છે. ગાંધીનગરમાં કૃષિ નીતિ ઘડનારને ખેડૂતની પડી નથી. પાણીવાળી સરકારે કોઈ કારણ વગર ખેડૂતોનું નર્મદા નહેરનું પાણી બંધ કરી દીધું છે. તેથી આંદોલન કરવાની જરૂર પડી છે. લાઠી ખાવા માટે હું ખેડૂતોથી આગળ જ રહીશ.
12 ડિસેમ્બરે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, અહીંના ખેડૂતોના દૂધ અને પાણીનો પ્રશ્ન 48 કલાકમાં નહીં ઉકેલાતા દહેગામના ખેડૂતના ખેતરથી 15 ડિસેમ્બર 2018થી આજે રેલી કાઢીને ગાંધીનગર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વૈભવી બંગલા સુધી ખેડૂત અને માલધારી કૂચ કાઢવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોકટર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે, દેશમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે સૈનીકો સરહદ પર મરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીની સરકારને લોકોની પડી નથી. નરેન્દ્ર મોદી હૃદય વિહીન વ્યક્તિ છે, 15 લાખનો કોટ પહેરીને વિદેશોમાં ફરી રહ્યા છે. પરંતુ દેશમાં લોકોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. દહેગામ તાલુકાના ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી હતી. દહેગામ તાલુકાના પશુપાલકોનું દૂધ અમદાવાદ જિલ્લાની ડેરીમાં જતું હોવાથી પશુપાલકોને વર્ષે રૂ.35 થી 40 કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. જે સરકારે પોતે 30 વર્ષનું ભરપાઈ કરી દેવું જોઈએ. દહેગામ તાલુકાના ખેડૂતોની વર્ષોની માગણી છે કે ખેડૂતોને નર્મદાનું પાણી આપવામાં આવે, પરંતુ સરકાર તેમની વાત સાંભળતી નથી. આગામી વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં ખેડૂતોનું કલ્યાણ કરનારી સરકાર બનશે. બે વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીથી ભારતીય અર્થતંત્રની નસબંધી કરી દીધી છે. જ્યારે જીએસટીને કોઈપણ તૈયારી વિના લાવીને વેપારને તોડી નાખ્યો છે.
સરકારના કાયદા મુજબ જે જિલ્લાની સહકારી મંડળી હોય તેમાં માલધારીઓ પોતાનું દૂધ આપી શકે છે. પણ ગાંધીનગર જિલ્લામાં આવતાં દહેગામ તાલુકાના ખેડૂતોએ ગાંધીનગરની મધુર ડેરીના બદલે અમદાવાદની ઉત્તમ ડેરીમાં દૂધ આપવા જવું પડે છે. તેથી તમામ માલધારીઓને ગાંધીનગરની ડેરીમાં દૂધ આપવાનો આદેશ કરવામાં આવે એવી દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓની માંગણી છે. દહેગામ તાલુકાની દૂધ મંડળીઓના હોદ્દેદારો અને દૂધ ઉત્પાદકો ઘણી મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને વારંવાર માંગણી કરી આવ્યા છે. પણ સરકાર તે અંગે કાને ધરતી નથી. તેથી રેલી કાઢવામાં આવી છે. કલેક્ટર સાથે બેઠક કરીને ખેડૂતોએ અગાઉ માંગણી કરી હતી કે તેમની ડેરી ગાંધીનગર કરી આપવામાં આવે.
પશુ પાલક મહિલાઓને ઉત્તમ ડેરીમાં દૂધ આપવું ફરજિયાત હોવાથી તાલુકાના આશરે 3,00,000 લીટર જેટલું દૂધ રોજ ઉત્પાદન થઈ રહ્યું છે અને ગાંધીનગર અને અમદાવાદ મંડળીના દૂધના ભાવ ફેરથી વર્ષે રૂ.35 કરોડથી પણ વધારે નુકસાન દહેગામ તાલુકાના ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. રોજના એક લિટરે 4થી 5નો ઓછો ભાવ મહિલાઓની કમાણીમાં રૂપાણી સરકાર આપી રહી છે.
અગાઉ કેટલીક મંડળીઓના સહી-સિક્કા સાથે ઉત્તમ ડેરી દ્વારા દૂધ લેવાનું ચાલુ રાખવાની માંગ કરતું આવેદનપત્ર પર ધાકધમકી સાથે સહી કરાવી લેવામાં આવી હતી. મંડળીઓના ચેરમેન કે હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા સિવાય સેક્રેટરીઓને ધાક-ધમકી આપી હતી. તેમની સહી આ રીતે કરાવવામાં કોઈક રાજકીય નેતાનું પણ દબાણ છે. કારણ કે તેનાથી ઉત્તમ દૂધ ડેરીને કરોડોનો ફાયદો થઈ રહો છે. સત્તામાં બેઠેલા કેટલાક મોટા માથાઓના અંગત સ્વાર્થને લીધે દહેગામ તાલુકાના ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે.
છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં ખેડૂતોની અવગણના મોદી સરકારને ભારે પડી છે જો ગુજરાત ખેડૂતોના અવાજને સરકાર નહીં સાંભળે તો ગુજરાતમાં પણ આવી જ હાલત ભાજપની થવાની છે. અગાઉ પણ સેંકડો ખેડૂતો દ્વારા APMC કે મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢીને ન્યાય આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોતાના નેતાઓના લાભ માટે સરકાર ખેડૂતોની પશુઓનું લોહી પી રહી છે.
દહેગામ તાલુકા દૂધ ઉત્પાદન હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ પરેશસિંહ ચૌહાણે અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી. પણ પ્રવિણભાઈ તોગડીયાને વાત કરતાં તેઓ અમારા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે. સ્થાનિક રાજકીય નેતાઓ અમારૂં સાંભળતાં નથી. કારણ કે તેમના આમાં હિત છે. સરકાર પ્રશ્ન નહીં ઉકેલે તો આંદોલન, ઉપવાસ અને આત્મવિલોપન પણ કરીશું. ખાત્રીબા કોસ, દુધ મંડળીના વિભાજન અને આવા અનેક પ્રશ્નોથી હાલ તાલુકાના ખેડૂતો ઝઝુમી રહયા છે શું સ્થાનિક નેતાઓ પાસે આ માટે સમય નથી કે દાનત ? અહીં ઠાકોર સમાજ સૌથી વધુ પીડિત છે.
દહેગામ 800 વર્ષ જૂનું શહેર છે. અમદાવાદ કરતાં પણ પુરાણું છે. રામ રાય રાઠોડ અહીંના રાજા હતા. ખિલજીએ કબજો લીધો હતો. ઈ.સ. 1753માં મરાઠાઓએ રાજ કર્યું હતું. દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકો 1857માં બન્યો હતો. 1987માં દહેગામ નગરપાલિકા બની હતી. જેનો અમદાવાદ જિલ્લામાં સમાવેશ કરાયો હતો. 1998માં અમદાવાદ જિલ્લાથી અલગ કરીને ગાંધીનગરમાં લઈ જવામાં આવ્યો હતો. દહેગામને અમદાવાદ જિલ્લાથી અલગ કરીને ગાંધીનગર જિલ્લામાં સમાવાયો છે. તેમાં તમામ વિભાગો ગાંધીનગર સાથે લઈ જવાયા છે પણ સહકાર વિભાગની ડેરીઓને અમદાવાદથી અગલ કરી નથી. તેથી ત્યારથી દૂધમાં 30 વર્ષથી અન્યાય કરવામાં આવી રહ્યો છે. આજ સુધીમાં દહેગામને માત્ર દૂધમાં જ 300 કરોડથી વધું નુકસાન થઈ ગયું છે. આ નાણાં ડેરીએ લૂંટી લીધા છે. તે કોની પાસે ગયા છે ? આ નાણાં પશુપાલક મહિલાઓ પાસે આવ્યા હોત તો તેઓ ગરીબને બદલે સમૃદ્ધ થયા હોત.
દહેગામ તાલુકાનું દૂધ અમદાવાદ દૂધ સંઘ ઉત્તમ ડેરીમાં જઈ રહ્યું છે. જે ખેડૂતોનું શોષણ કરી રહી છે. ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ અને અમદાવાદ જિલ્લા દૂધ સંઘના ભાવોમાં મોટો તફાવત રહેતો હોવાથી મંડળીઓ સહકારી દૂધ સંઘમાં દૂધ આપવાના બદલે અડધા ઉપરનો જથ્થો ખાનગી ડેરીઓને આપી રહ્યા છે.
93 દૂધ મંડળીઓનું કોઈ સાંભળતું નથી
મધુર ડેરીમાં સમાવેશ કરવા માટે 93 દૂધ મંડળીના અધ્યક્ષઓએ ઠરાવ કર્યા હતા. 63 સરપંચોએ લખીને આપ્યું છે. છતાં લોકશાહી વિરુદ્ધની સરકાર મહિલાઓનો અવાજ સાંભળતી નથી. 10 હજાર સભ્યો છે.
ગુજરાતની વડી અદાલતે દહેગામ દૂધ મંડળી ગાંધીનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી હોવાનો ચુકાદો આપ્યો હતો. જેનો આજ સુધી અમલ ભાજપ સરકારે કર્યો નથી. કલોલ તાલુકો મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગરમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે દૂધ મંડળીઓ પણ ગાંધીનગર જિલ્લામાં લઈ જવામાં આવી હતી. તો દહેગામને ભાજપ સરકાર 22 વર્ષથી અન્યાય કરી રહી છે. આવું જ 6 વર્ષ પહેલાં બોટાદ જિલ્લો નવો બનતાં અમદાવાદ જિલ્લાના રાણપુર અને બરવાડા તાલુકા તેમાં સમાવાયા હતા. જ્યાં રાજ્ય રજીસ્ટ્રારમાં સ્પષ્ટ અભિપ્રાય માટે મોકલી આપવાની ખાત્રી આપવામાં આવી હતી.