ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન અને યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ દ્વારા સ્પોર્ટ્સ ડે યોજાયો
બાળકોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતતા રહે અને બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – યુનિવર્સલ એક્સપ્લોરર ગ્રુપ, મિલાપ ટાટારિઆ અને જતીન દવે દ્વારા સેક્ટર-૩ ખાતે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ રમતો જેમકે… ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, રસ્સી ખેંચ, લીંબુ ચમચી, લોટ ફૂંક, ડોલ-બોલ, કોથળા દોડ, નિશાનબાજી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ગાંધીનગર શહેરના ૧૨૦ થી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ અલગ-અલગ રમતોમાં રમત રમી પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધાનું સંપૂર્ણ સંચાલન ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાના સેક્રેટરી મિલાપ ટાટારિઆ ના માર્ગદર્શન હેઠળ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને અનેક સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાના ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણીએ વિજેતાઓને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી સાથે ઈવેન્ટને સરળ રીતે સફળ બનાવવા માટે સંસ્થાના દરેક સિનિયરનો વિશેષ સહયોગ રહ્યો હતો.