દોરીથી પશુ-પક્ષીઓને બચાવવા સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ કર્યો- ‘1 કિલો દોરીની ગુંચ આપો રૂ.200 લઇ જાઓ
ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ હવે પક્ષીઓને બચાવવા માટે પેઢમાલા યુવા સંગઠને અનોખું અભિયાન હાથ ધર્યું છે. સોશિયલ મીડિયામાં એક કિલો દોરીની ગુંચ આપો અને રૂ.200 લઇ જાઓનો મેસેજ ફરતો કર્યો છે. ગામમાં ઠેર ઠેર પડી રહેલી દોરીને એકઠી કરી નાશ કરવા માટેનો પ્રયાસ હાથ ધરાયો છે.
હિંમતનગરના પેઢમાલા ગામના 50 યુવાઓના યુવા સંગઠન દ્વારા ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ ઠેર ઠેર ધાબા પર અને રસ્તામાં દોરી પડી રહે છે. જે પશુ, પક્ષી અને માનવને નુકશાન કરી શકે છે. જેને લઈને અનોખો વિચાર સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે અને એક કિલો દોરીની ગુંચ યુવા સંગઠનને આપો અને બદલામાં રૂ.200 મેળવો, જેથી ગામમાં ઠેર ઠેર પડેલી ઘાતક દોરીનો જથ્થો દુર થાય છે. જેને લઈને નુકશાન અટકે છે.
તો પેઢમાલા ગામ એ 2500ની વસ્તી ધરાવે છે. ત્યારે ઉત્તરાયણનો ઉત્સવ ગ્રામજનોએ પતંગ ચગાવી ઉત્સાહપૂર્વક મનાવ્યો હતો. ગામમાં સંગઠન દ્વારા પશુઓને લીલો અને સુકો ઘાસચારો પણ નાખવામાં આવ્યો હતો. ત્યારે સંગઠન દ્વારા ગામ અને વિસ્તાર સ્વચ્છ, સુરક્ષિત રહે અને અબોલ નિર્દોષ પક્ષીઓ-પ્રાણીઓને દોરીના ગુંચળામાં ફસાઈ પોતાનો જીવ ગુમાવે નહિ તેને લઈને એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રયાસ માટેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.