સાદરા સંકુલ ખાતે ગૂજરાત વિદ્યાપીઠ ના રમતોત્સવ નું આયોજન થયું.
પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગરૂપે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ નો 18 મો વાર્ષિક રમતોત્સવ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે ખૂબ જ ઉમંગ ઉત્સાહ અને ખેલદિલીની હકારાત્મક ઊર્જા સાથે તા – 25 જાન્યુઆરી 2023 ના બુધવારને દિવસે યોજાયો.
કાર્યક્રમ ના ઉદઘાટન કાર્યક્રમ માં ગુજરાત ટેકનોલોજી યુનવર્સિટી ના પૂર્વ કુલપતિ ડૉ.નવીનચંદ્ર શેઠ તથા વિદ્યાપીઠના કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોષીની, કુલસચિવ શ્રી ડૉ.નિખિલ ભટ્ટ, ડો.અરુણભાઈ ગાંધી સાથે પ્રેરક ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ વિવિધ વિભાગના ખેલાડીઓના સમૂહ કૂચ નું નિદર્શન તથા આતશ જ્યોતના આગમન સાથે શરૂ થયો. મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલના સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોષી એ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ગૂજરાત વિદ્યાપીઠ ની પરંપરા અનુસાર સૌનું સુતરની આંટી થી સ્વાગત અભિવાદન કરાયું. મુખ્ય અતિથિ શ્રી ડૉ. નવીનચંદ્ર શેઠ સાહેબે તેમના પ્રસંગોચિત વક્તવ્યમાં વિદ્યાર્થીઓની જીવનમાં રમતગમતનું મહત્વ તથા જીવન ઘડતરમાં નેતૃત્વ ખેલદિલી, જિંદાદિલી, સમુહભાવના તથા સમૂહના સભ્યો પરત્વે સંવેદનશીલ વર્તનની અગત્યતા ની વાત ટાંકી હતી. તો તેમના અધ્યક્ષીય વક્તવ્યમાં આદરણીય કુલનાયક શ્રી પ્રો. ડૉ.ભરતભાઈ જોશી એ વિદ્યાર્થીઓને પોતે શિખેલ ગુણાત્મક ભાવોને વર્તન વિશેષમાં પ્રગટ કરી શ્રેષ્ઠતમ વ્યક્તિ બની સમાજમાં ઉચ્ચ કોટિનું યોગદાન આપવા દિલથી અપીલ કરી હતી.
ઉદઘાટન સત્રને અંતે ડૉ.કનુભાઈ વસાવા એ આભારવિધિ કરી આ કાર્યક્રમ ને સફળ બનાવવા યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિવિધ સ્પર્ધાઓના આયોજનમાં શારીરિક શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓએ પંચકાર્ય કર્યું હતું. સમગ્ર ઉદઘાટન સત્રનું સુંદર. સંચાલન ડો.દિવ્યેશ ભટ્ટે કર્યું હતું. અહેવાલ લેખન નું કાર્ય યુવા અધ્યાપક ડૉ.મોતીભાઈ દેવું એ કર્યું હતું.