વાવોલ ખાતે જરૂરિયાતમંદ બાળકોને માટે નિઃશુલ્કપણે ચાલતી શાળા મસ્તીની પાઠશાળા
ગાંધીનગરમાં વાવોલ ખાતે ‘મસ્તીની પાઠશાળા’ નામથી નિઃશુલ્ક પાઠશાળા કાર્યરત થઇ છે. એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાવોલ ખાતે ‘મસ્તીની પાઠશાળા’ શરૂ કરવામાં આવી છે. જે છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. એસ.એન. પટેલ દ્વારા બાળકો માટે નિઃશુલ્ક પાઠશાળા શરૂ કરવામાં આવી છે. બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા અને આર્થિક રીતે નબળા વર્ગના જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ટ્યુશન વ્યવસ્થા અને ભણવા માટેનો આર્થિક સહયોગ મળી રહે અને બાળકોની ભોજન – બાળકોની રૂટિન હેલ્થ ચેકઅપ માટેની વ્યવસ્થા એટલે મસ્તીની પાઠશાળા, “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે…’” આ ભોજનને ખરા અર્થમાં સાર્થક કરવા માટે એસ.એન. પટેલ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે. જેઓ પોતે ગાંધીનગરમાં પ્રાઈવેટ ટ્યુશન ક્લાસનો વ્યવસાય કરે છે અને તેઓ નવોદય ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ગાંધીનગરમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે કંઈક નવીન કરીને તેમનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી ફ્રી એક પણ રૂપિયાની ટોકન ફી લીધા વગર મફતમાં આ બાળકોને ટ્યુશન વ્યવસ્થા આપવા માટેનું બીડું ઝડપ્યું છે. એમનું કહેવું છે કે આપણે બધા બાળકોને તો ઉત્તીર્ણ નહી કરી શકીએ પરંતુ આમાંથી અમુક ટકા છોકરાઓને પણ આઈએએસ, આઈપીએસ, ડૉક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ પદો પર નિયુક્ત કરવામાં સફળ રહીશુ તો આપણે આ બાળકોના થકી ભ્રષ્ટાચાર મુક્ત સ્વસ્થ અને સુંદર ભારતનું નિર્માણ કરવામાં સફળ રહીશું. આ મસ્તીની પાઠશાળામાં બાળકોને ભણતરની સાથે અન્ય ક્રિએટીવિટી કરાવવામાં આવે છે. બાળકોને દરરોજ બિસ્કીટ, ફળ, ભોજન આપવામાં આવે છે. અહીંયા સમાજના નાગરિકો દ્વારા જન્મદિવસ કે અન્ય ખુશીના પ્રસંગે બાળકો વચ્ચે આવીને એમને પ્રસાદ રૂપે કંઈક મદદ આપીને બાળકોની ખુશીમાં અનેક ઘણો વધારો કરવામાં આવે છે.આ સેવાકાર્યમાં રજનીશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ચાંદનીબેન પટેલ, ગોપાલભાઈ, ભરતભાઈ ચૌધરી, પ્રજ્ઞાબેન પ્રજાપતિ, ઋતુ દવે, શુભમભાઈ પ્રજાપતિ, સુનિલભાઈ, કિરણભાઈ ચૌધરી, ભાવેશભાઈ ચૌધરી અને અન્ય વોલેન્ટિયર સેવા આપતા મિત્રોએ આ કાર્યમાં તન, મન, ધનથી જોડાઈને આ બાળકોમાં બદલાવ લાવવાનું એક બીડું ઉઠાવ્યું છે.