જમીન કૌભાંડ મામલે સુરતના કયા BJP ધારાસભ્યની ધરપકડ થઈ શકે છે જાણો.
અમદાવાદ :
સુરત શહેરના વધુ એક BJP ધારાસભ્યની સામે પોલીસ દ્વારા ગમે ત્યારે કાર્યવાહી કરવામાં આવી શકે છે. જમીન પચાવી પાડવા અંગેના એક કેસમાં સુરતના BJP ના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પોલીસ દ્વારા ગમે ત્યારે ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે. કારણ કે, કોર્ટ દ્વારા આ મામલે પ્રવિણ ઘોઘારીની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના ગોડાદરા ખાતેની જમીનના બોગસ દસ્તાવેજ બનાવીને તેને પચાવી પાડવાના કેસમાં આરોપી એવા સુરત શહેરની કરંજ બેઠકના બીજેપીના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની પોલીસ દ્વારા ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. કારણ કે, ગુરુવારે સ્થાનિક કોર્ટે આરોપી પ્રવીણ ઘોઘારી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજીને નામંજૂર કરીને ફગાવી દેવામાં આવી છે.
આ મામલે સૂત્રો પાસેથી પ્રાપ્ત મળતી માહિતી મુજબ સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગતો અનુસાર બીજેપીના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી સહિતના 13 આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીની ગોડાદરા રે. સરવે. નંબર- 138, 139 અને 140ની ખેતીલાયક જમીન બોગસ પાવર ઓફ એટર્ની કે જેની (પાવર ઓફ એટર્ની) પર જમીન માલિકની સહી પણ ન હતી, તેવી પાવર ઓફ એટર્ની દ્વારા અને બોગસ રજાચિઠ્ઠીના આધારે જમીન પચાવી પાડીને સોસાયટી બનાવી લીધી હતી. આ ફરિયાદના આધારે લિંબાયત પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે બીજેપીના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે કોર્ટે આ આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે.
પ્રવીણ ઘોઘારીને રેતી ચોરીમાં સરકાર 80.52લાખ રૂપિયાનો દંડ ફટકારી ચૂકી છે
બીજેપીના સુરતના કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરીના મામલે 80.52 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા અમદાવાદના નવાપુર ખાતે રેતી ખનન માટે લીઝ લીધી હતી. પરંતુ તેમના દ્વારા નિયત માત્રા કરતા વધુ રેતી ખનન કરી હતી. સાબરમતી ૩૩૬૯૦ ટન રેતી ચોરી કરવાના મામલે સરકાર દ્વારા 80.52 દંડ ફટકારવામાં આવ્યો હતો.